અમદાવાદમાં ઓશિયા મોલના માલિકો રૂા.250 કરોડથી વધુનું ફુલેકું ફેરવી ફરાર
અમદાવાદના 267 વેપારીઓ મુશ્કેલીમાં, એડવાન્સ આપેલા ચેક પણ બાઉન્સ થતાં પોલીસમાં અરજી
અમદાવાદ તા. 28
અમદાવાદમાં ઓશિયા મોલના માલિકો દ્વારા માલ સપ્લાય કરતા વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોલના માલિક ધીરેન્દ્ર ચોપરા કે જેઓ ધીરજ ચોપડા તરીકે પણ ઓળખાય છે, તેમજ તેમની પત્ની કવિતા ચોપરા વેપારીઓનું આશરે રૂા.250 કરોડ કરતાં પણ વધુ રકમનું ફુલેકું ફેરવીને ફરાર થઈ ગયા હોવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે. છેલ્લા 8 મહિનાથી પેમેન્ટ ન મળતાં અને આપેલા ચેકો પણ બેંકમાં બાઉન્સ થતાં આખરે 267 જેટલા ભોગ બનનાર વેપારીઓએ પોલીસમાં અરજી કરી છે અને સરકાર પાસે પોતાના ફસાયેલા નાણાં પરત મેળવવા ન્યાયની ગુહાર લગાવી છે. ઓશિયા મોલમાં અલગ-અલગ પ્રોડક્ટ્સ સપ્લાય કરતા વેપારીઓ છેલ્લાં ઘણાં વર્ષોથી નિયમિત રીતે માલ આપતા હતા. જાેકે, છેલ્લા 8 મહિનાથી વેપારીઓને પેમેન્ટ ચૂકવવાનું બંધ કરી દેવાયું હતું. જ્યારે વેપારીઓએ માલિક ધીરેન્દ્ર ચોપરાનો સંપર્ક કર્યો, ત્યારે તેણે થોડા દિવસોમાં તમામ પેમેન્ટ ચૂકવી દેવાની ખાતરી આપી હતી અને ખાતરીના ભાગરૂપે એડવાન્સ ચેક પણ આપ્યા હતા. લાંબા સમય સુધી નાણાં ન મળતાં જ્યારે વેપારીઓએ આ ચેક બેંકમાં જમા કરાવ્યા, ત્યારે એક પછી એક તમામ ચેક બાઉન્સ થતાં માલિકોની છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો.
વેપારીઓનો આક્ષેપ છે કે, છેતરપિંડી આચર્યા બાદ માલિક ધીરેન્દ્ર ચોપરા સહિતના તમામ જવાબદારો ફરાર થઈ ગયા છે. મોલમાં માલ સપ્લાય કરાવનાર મેનેજરોના ફોન પણ સતત સ્વીચ ઓફ આવી રહ્યા છે. વધુમાં, ઓશિયા મોલ હવે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં પહોંચી ગયો હોવાથી વેપારીઓની ચિંતા બેવડાઈ છે. અમુક મોલની પ્રોપર્ટીના ભાડાના રૂપિયા ચૂકવવાના પણ બાકી હોવાનું સામે આવ્યું છે. હાલમાં અમદાવાદના 267 વેપારીઓએ સત્તાવાર રીતે ક્લેમ દાખલ કર્યો છે, જ્યારે હજુ પણ ઘણા એવા નાના વેપારીઓ છે, જેમણે ક્લેમ સુધ્ધાં કર્યો નથી. ભોગ બનનાર વિવેકભાઈએ જણાવ્યું કે, અમે અલગ-અલગ પ્રોડક્ટ્સ ક્રેડિટ (ઉધાર) પર સપ્લાય કરતા હતા. ઓશિયા મોલ NCLTમાં દાખલ થઈ જતાં અમારા રૂા.1.57 કરોડના એડવાન્સ ચેક બેંકમાં રિટર્ન થયા છે. માલિકો સાથે કોઈ સંપર્ક થઈ શકતો નથી, જેથી હવે અમે આખરે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)માં રજૂઆત કરીને મદદ માંગીશું.


