અમેરીકાની કોર્ટે 10 ટકા વૈશ્વિક ટેરિફ વસુલવાની મંજુરી આપી : ટ્રમ્પને રાહત
(એજન્સી) વોશિંગ્ટન,તા.12:
યુએસમાં આયાત ટેરિફ અંગે ચાલી રહેલી કાનૂની લડાઈ વચ્ચે ટ્રમ્પ પ્રશાસનને મોટી રાહત મળી છે. વોશિગ્ટનની ફેડરલ અપીલ કોર્ટે ચુકાદો આપ્યો છે કે યુએસ સરકાર કાનૂની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વિશ્વભરમાંથી આયાત કરાયેલા માલ પર લાદવામાં આવેલા 10 ટકા ટેરિફ વસૂલવાનું ચાલુ રાખી શકે છે. કોર્ટના આ ર્નિણયને ટ્રમ્પ પ્રશાસન માટે એક મહત્વપૂર્ણ વિજય માનવામાં આવી રહ્યો છે, કારણ કે તે સરકારને હાલમાં તેની વેપાર નીતિનો અમલ ચાલુ રાખવાનો માર્ગ પૂરો પાડે છે. અપીલ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્રની દલીલો પ્રથમ નજરમાં મજબૂત લાગે છે અને સરકારનો કેસ અંતિમ સુનાવણીમાં સફળ થઈ શકે છે. તેના આધારે, કોર્ટે અંતિમ ર્નિણય ન આવે ત્યાં સુધી ટેરિફ વસૂલાત ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.ગત મહિને, ન્યૂયોર્ક સ્થિત આંતરરાષ્ટ્રીય વેપાર અદાલતે, નાના વ્યવસાયો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતા, આ ટેરિફ ગેરકાયદેસર જાહેર કરી હતી.


