ઈરાન સામે વધુ એક યુધ્ધની ટ્રમ્પે ધમકી આપી
ઈરાને વળતો પ્રહાર કરતા કહ્યું, “હોર્મુઝમાંથી પસાર થતા ઈન્ટરનેટ કેબલ્સ કાપી નાખીશું”
વોશિંગ્ટન/તહેરાન તા.૨૪
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ફરી એકવાર સૈન્ય કાર્યવાહી કરવાની શક્યતા વ્યક્ત કરી છે. ફ્લોરિડામાં એક રેલી દરમિયાન તેમણે સંકેત આપ્યો હતો કે અમેરિકા ઈરાન સામે વધુ એક મોટું સૈન્ય ઓપરેશન હાથ ધરી શકે છે.જોકે, ટ્રમ્પે ફરીથી સૈન્ય કાર્યવાહી ક્યારે અથવા કયા પ્રકારની હશે તે અંગે કોઈ માહિતી આપી નથી.
ટ્રમ્પના આ નિવેદન બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ વધુ વ્યાપક બનવાની અને સમગ્ર ક્ષેત્રમાં તણાવ વધવાની ગંભીર આશંકા ઊભી થઈ છે. ફ્રાન્સ અને તૂકિર્યે સહિતના વિશ્વના અનેક દેશોએ આ પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં સ્પષ્ટ કર્યું છે કે નવી સૈન્ય કાર્યવાહીથી ઓઈલના ભાવમાં ભારે ઉછાળો આવી શકે છે અને આ સમસ્યાનો ઉકેલ માત્ર ડિપ્લોમસી અને વાટાઘાટો દ્વારા જ શક્ય છે.
બીજી તરફ, ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા અને ઈઝરાયલે ફરીથી હુમલો કર્યો તો તે ખાડી દેશોમાં સમુદ્રની નીચે બિછાવવામાં આવેલી ઇન્ટરનેટ કેબલ્સને નિશાન બનાવશે. તેનાથી ઇન્ટરનેટ સેવાઓ, બેન્કિંગ અને ઑનલાઇન વ્યવસાય પર અસર પડી શકે છે.
જાે ટ્રમ્પ અને ઈરાન તેમની ધમકીઓ પર અમલ કરશે તો સમગ્ર વિશ્વ ગંભીર સંકટમાં મુકાઈ જશે. કારણ કે તેની સીધી અસર વિશ્વના ખનીજ તેલના જથ્થાની સપ્લાય પર પડશે. જયારથી યુધ્ધ ભડકયું છે ત્યારથી જ ખનીજ તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે તેમાં જો વધુ એક યુધ્ધ શરૂ થાય છે તો ખનીજ તેલનો ભાવ ભડકે બળશે અને વિશ્વની અર્થ વ્યવસ્થા ખોરવાઈ જશે. તેટલું જ નહીં મોંઘવારી બેફામ બની જશે. અને વિશ્વમાં કરોડો લોકોનું જીવન ખુબ જ પ્રભાવિત થશે. મોંઘવારી, બેરોજગારી, પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવો અને પુરવઠાની સ્થિતિ બેકાબુ થઈ જશે. તેવી ચિંતા વિશ્વના ટોચની રેટિંગ એજન્સીઓ અને રાજદ્વારીઓએ વ્યક્ત કરી છે તેમજ ઈરાન અને અમેરીકાના બન્ને દેશોના સત્તાવાળાઓને વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા અપીલ કરી છે.


