ભડકેલા ટ્રમ્પે ઈરાનને ધમકી આપી : કતાર પર બીજાે હુમલો સહન કરવામાં નહીં આવે
(એજન્સી) વોશિંગ્ટન તા.૧૯
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે ૨૦મો દિવસ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે જો કતાર પર ફરીથી હુમલો થયો, તો અમેરિકા મોટી સૈન્ય કાર્યવાહી કરશે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે કતાર પરનો હુમલો હવે સહન કરવામાં આવશે નહીં.
ઈરાને કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ ‘રાસ લફાન’ પર મિસાઈલ હુમલો કર્યો છે, જેના કારણે ત્યાં આગ લાગી ગઈ અને ઘણું નુકસાન થયું છે. આ ઘટના બાદ પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની ગઈ છે.
ટ્રમ્પે કહ્યું કે અમેરિકાને આ હુમલાની અગાઉથી કોઈ જાણકારી નહોતી અને કતાર પણ તેમાં સામેલ નહોતું. તેમના જણાવ્યા અનુસાર, ઈરાને ગેરસમજમાં કતારને નિશાન બનાવ્યું છે.
આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે ઇઝરાયલે ઈરાનના પાર્સ ગેસ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. તેના જવાબમાં ઈરાને કતાર પર હુમલો કરી દીધો, ત્યારબાદ કતારે ઈરાન પર “રેડ લાઇન પાર કરવાનો” આરોપ લગાવ્યો અને તેના અધિકારીઓને ‘અનિચ્છનીય વ્યક્તિ’ (Persona Non Grata) જાહેર કરી દીધા.


