આજે સવારે અમદાવાદ સહિત રાજયના ઘણા વિસ્તારોમાં મીની વાવાઝોડુ ફુંકાયુ
(બ્યુરો) અમદાવાદ તા.૧૯:
આજે વહેલી સવારે અમદાવાદ સહિત રાજ્યના ઘણા ભાગોમાં મિનિ વાવાઝોડું ફૂંકાયું હતું. જેના પગલે ઝાડ અને હોડિર્ગ્સ પડવાની ઘટનાઓ બની છે. તે સાથે જ ખેતીને પણ નુકસાન પહોંચ્યું છે. ભારે પવન ફૂંકાતા ખેતરમાં રહેલા ઉભા પાકે નુકસાન થતાં ખેડૂતો ચિતામાં મૂકાયા છે. જ્યારે ઘણી જગ્યાએ ઝાડ પડવાને લીધે રસ્તા બંધ થયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જ્યારે દિયોદરમાં રેલવે ટ્રેક પર ઝાડ પડતાં રેલવે અધિકારીઓ દોડતા થયા હતા.
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરમાં જોરદાર પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવનના કારણે ઘણા વિસ્તારોમાં ઝાડ તૂટી પડવાના બનાવ બન્યા હતા. રસ્તાઓ પર મૂકવામાં આવેલા બેરિકેડ્સ પણ ઉખડી ગયા હતા, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. વસ્ત્રાપુર વિસ્તારમાં ભારે પવનના કારણે પોલીસ બુથ પણ ધરાશાયી થઈ ગયું હતું. આ પરિસ્થિતિને કારણે શહેરમાં લોકોમાં ચિતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે.


