એક મહિનાના વિરામ બાદ ફરી ઈરાન-અમેરીકા યુધ્ધ ભડકયું
ઈરાને જવાબી કાર્યવાહી કરી - જાેર્ડન સ્થિત અમેરીકી બેઝ પર મિસાઈલો છોડી : યુધ્ધને પગલે ક્રુડ ઓઈલના ભાવમાં ભડકો
(એજન્સી) વોશિંગ્ટન,તા.૩૧:
એક મહિનાના વિરામ બાદ અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ફરી શરૂ થયું છે. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી શાંતિ ફરી એકવાર ભીષણ લશ્કરી મુકાબલામાં પરિણમી છે. અમેરિકન સૈન્યએ હોર્મુઝ સ્ટ્રેટમાં સ્થિત ઈરાનના લારાક ટાપુ પર મોટો હુમલો કર્યો છે, જેનાથી ઈરાન ભારે રોષે ભરાયું છે. ઈરાને જોર્ડનમાં અમેરિકન લશ્કરી થાણાઓને મિસાઈલ અને ડ્રોનથી નિશાન બનાવીને બદલો લીધો છે.
અગાઉ પ્રમુખ ટ્રમ્પે ઈરાન પર આર્થીક પ્રતિબંધોથી તેને ગુંગળાવી દઈને શરણે લાવવાની જાહેરાત કરી હતી પરંતુ આ પ્રતિબંધો કેટલા અસરકારક નિવડશે તે પણ સવાલ છે બીજી તરફ હોર્મુજ જળ માર્ગ જે દુનિયાના ક્રુડ સહિતના વ્યાપારમાં ૨૦ ટકા હિસ્સો ધરાવે છે તે હજુ પણ બંધ છે.
તે અમેરીકા ખોલાવી શકયું નથી તે વચ્ચે અમેરીકી સેન્ટ્રલ કમાન્ડે દાવો કર્યો છે કે હોર્મુજ જલમાર્ગમાંથી પસાર થતા જહાજોની સુરક્ષા જાળવવા આ કાર્યવાહી કરવામાં આવી છે.
મધ્ય પૂર્વમાં તણાવ ઓછો થવાના કોઈ સંકેત દેખાતા નથી. અમેરિકા અને ઈરાન ફરી એકવાર સામસામે આવ્યા છે, અને હુમલાઓનો સિલસિલો શરૂ થયો છે. જ્યારે અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની ટાપુ પર હુમલો કર્યો, જે વિશ્વની લગભગ ૨૦ ટકા તેલ જરૂરિયાતો પૂરી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ત્યારે ઈરાને બદલો લીધો. આ તણાવની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પર પડી છે, જેના કારણે અચાનક ઉછાળો આવ્યો છે.
બ્રેન્ટ ક્રૂડના ભાવ ફરી એકવાર ૯૦ ડોલર પ્રતિ બેરલને વટાવી ગયા છે, જે લગભગ ૩ ટકા વધી ગયા છે. WTI ક્રૂડના ભાવમાં પણ જોરદાર તેજી જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ ૯૦.૧૫ ડોલર , WTI ક્રૂડ ઓઈલ ૮૫.૨૦ ડોલર અને મુર્બન ક્રૂડના ભાવ ૯૫.૭૫ ડોલર પર ટ્રેડ થઈ રહ્યા છે, જે ૪ ટકા થી વધુ છે.


