એક સરખી નંબર પ્લેટ લગાડી ટેકસ ચોરી કરવાનાં કૌભાંડનો પર્દાફાશ : રૂા. ૧.પપ કરોડથી વધુ કિંમતનાં ૧૧ વાહનો કબ્જે
જૂનાગઢ તા.૮
ખાનગી ટ્રાવેલ્સની બસોમાં એકસરખી નંબર પ્લેટ દ્વારા કરોડો રૂપિયાની ટેકસ ચોરી થતી હોવાના કૌભાંડનો જેતપુર પોલીસે પર્દાફાશ કર્યો છે. ચોક્કસ મળેલી બાતમીના આધારે જેતપુર ઉદ્યોગનગર પોલીસે વોચ ગોઠવી હતી અને તે દરમ્યાન આ આખા રેકેટનો પર્દાફાશ થયો હતો. જેમાં સરકારને આરટીઓ ટેક્સ અને વીમાની રકમમાં ચૂનો ચોપડવાના ઇરાદે એક જ રજીસ્ટ્રેશન નંબરની નકલી નંબર પ્લેટ લગાવી અલગ-અલગ રૂટ પર બસો દોડાવવાના સુનિયોજિત રેકેટનો ભાંડો ફોડ્યો છે. આ કૌભાંડમાં પોલીસે અંદાજે રૂા.૧.૫૫ કરોડથી વધુ કિંમતની ૧૦ લક્ઝરી બસો અને એક ઓમ્ની કાર સહિત કુલ ૧૧ વાહનો કબજે કર્યા છે. આ મામલે બે અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે એક જ નંબર પ્લેટનો ઉપયોગ બે બસોમાં થઈ રહ્યો છે. આ માહિતીના આધારે પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર રબારીકા ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. જૂનાગઢ તરફથી આવી રહેલી ‘શ્રી મહાલક્ષ્મી ટ્રાવેલ્સ‘ની બસને અટકાવી તપાસ કરતા તેના પર અન્ય બસનો નંબર લગાડેલો હોવાનું બહાર આવ્યું હતું. બસ ચાલક કૌશિક જયસ્વાલ પાસે જરૂરી દસ્તાવેજો ન હતા અને તેણે પૂછપરછમાં ભાઈની બસનો નંબર પોતાની બસ પર લગાડ્યાની કબૂલાત કરી હતી. થોડી જ વારમાં એ જ નંબર ધરાવતી બીજી બસ પણ ત્યાંથી પસાર થતાં પોલીસે તેને પણ ઝડપી લીધી હતી. આગળની તપાસમાં પોલીસે જેતપુર-જૂનાગઢ હાઈવે પર આવેલા ‘પાવન ટ્રાવેલ્સ‘ના ડેલામાં દરોડો પાડી એક જ રજીસ્ટ્રેશન નંબર ધરાવતી વધુ ચાર બસો નકલી નંબર પ્લેટ સાથે કબજે કરી હતી. તપાસમાં સામે આવ્યું કે એક બસ સૌરાષ્ટ્રમાં ચાલતી હોય ત્યારે એ જ નંબર ધરાવતી બીજી બસ સુરત રૂટ પર દોડતી હતી, જેથી આરટીઓ ટેક્સ અને અન્ય નિયમોથી બચી શકાય. તેવી કરામત કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં પાવન અલ્પેશભાઈ જયસ્વાલ, અલ્પેશ ઉર્ફે ટોનુ જયસ્વાલ અને કૌશિક યોગેશભાઈ જયસ્વાલ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૩૧૮(૪), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૨) તેમજ મોટર વાહન અધિનિયમ હેઠળ ગુના નોંધાયા છે. પોલીસે બે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. આ કૌભાંડમાં આરટીઓના કોઈ કર્મચારી અથવા અન્ય વચેટિયાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.


