ઓપરેશન સિંદુરના પુરાવા સાથે ભારત FATF બેઠકમાં પહોંચશે

પાકિસ્તાનને ફરીથી ગ્રે-લિસ્ટમાં મુકવા ભારતના પ્રયાસો

ઓપરેશન સિંદુરના પુરાવા સાથે ભારત FATF બેઠકમાં પહોંચશે

નવી દિલ્હી,તા.30:
ભારત ફરી એકવાર આતંકવાદ સામે વૈશ્વિક મોરચે પાકિસ્તાનને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલ છે કે ભારત ઓક્ટોબરમાં પેરિસમાં ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ની બેઠકમાં પાકિસ્તાનને ફરીથી ગ્રે લિસ્ટમાં મુકવાનો પ્રયાસ કરશે. તેના માટે, ભારત આતંકવાદી સંગઠનોને પાકિસ્તાનના કથિત સમર્થન સંબંધિત ઘણા નવા વીડિયો અને અન્ય ડિજિટલ પુરાવા રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતનો દાવો છે કે પાકિસ્તાનની ધરતી પર કાર્યરત આતંકવાદી સંગઠનોને સરકારી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ તરફથી રક્ષણ મળી રહ્યું છે. આ જ કારણ છે કે નવી દિલ્હી FATF સમક્ષ આ મુદ્દાને મજબૂતીથી ઉઠાવવાનો ઇરાદો ધરાવે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે ભારત FATF સમક્ષ ઓપરેશન સિંદૂર પછી બહાર આવેલા વીડિયો પણ રજૂ કરી શકે છે, જેમાં પાકિસ્તાની સૈન્ય અને ગુપ્તચર એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. ભારત માને છે કે આ વીડિયો પાકિસ્તાની સરકારી તંત્ર અને આતંકવાદી સંગઠનો વચ્ચે ગાઢ સંબંધો હોવાના નોંધપાત્ર પુરાવા આપે છે.