પોરબંદર મેમણવાળા વિસ્તારમાં વી.જે. મદ્રેસા પાસે જાહેર માર્ગ પર દબાણ દૂર કરાયા

મહાનગરપાલિકાની ડીમોલીશન કાર્યવાહી : 110 મીટર વિસ્તારમાં દુકાનોના વંડા, બાથરૂમ સહિતના ગેરકાયદેસર બાંધકામો હટાવાયા

પોરબંદર મેમણવાળા વિસ્તારમાં વી.જે. મદ્રેસા પાસે જાહેર માર્ગ પર દબાણ દૂર કરાયા

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.30
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના મેમણવાળા વિસ્તારમાં વી.જે. મદ્રેસા પાસે જાહેર માર્ગ પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે સોમવારે ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાએ મ્યુનિસિપલ કમિશનરની સૂચના અનુસાર કાયદેસરની કાર્યવાહી અમલમાં મૂકી હતી. મહાનગરપાલિકા દ્વારા અગાઉ દબાણકર્તાઓને નિયમ મુજબ નોટિસો પાઠવી સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે સમય આપવામાં આવ્યો હતો. તેમ છતાં દબાણ દૂર કરવામાં ન આવતા અંતે તંત્ર દ્વારા ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અંદાજે 110 મીટર લંબાઈ અને 3 મીટર પહોળાઈ વિસ્તારમાં જાહેર રસ્તા પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. રસ્તા પર આવેલી દુકાનોના આગળના ભાગ, વંડા, બાથરૂમ સહિતના ગેરકાયદેસર બાંધકામો દૂર કરીને જાહેર માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના અધિકારીઓની હાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી. શહેરમાં જાહેર માર્ગો પરના દબાણો દૂર કરવાની ઝુંબેશ આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે તેવી માહિતી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી.