ગાઝીયાબાદમાં ૩ સગીર બહેનોએ ૯મા માળેથી કુદી આત્મહત્યા કરી લીધી : ગેમની લત હતી
યુપીમાં બનેલી અત્યંત ચોંકાવનારી ઘટના
(એજન્સી) ગાઝિયાબાદ તા.૦૪
ગાઝિયાબાદમાં ત્રણ સગી બહેનોએ નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. ગત રાત્રે ૨ વાગ્યે ત્રણેય બહેનો બાલ્કનીમાંથી કૂદી પડી હતી. ત્રણેયે આત્મહત્યા કરતા પહેલા રૂમને અંદરથી બંધ કર્યો હતો, પછી સ્ટૂલ મૂકીને એક પછી એક બાલ્કનીમાંથી પડતું મૂક્યું હતું. ત્રણેય બહેનોની ઉંમર ૧૨ થી ૧૬ વર્ષની વચ્ચે છે. ત્રણેયને ટાસ્ક-બેઝ્ડ ‘કોરિયન લવ ગેમ‘ની લત હતી. પિતાના જણાવ્યા અનુસાર, ત્રણેય બહેનો હંમેશા એકસાથે રહેતી હતી. સાથે જ નાહવા અને ટોયલેટ જતી હતી. ગેમની લત એવી હતી કે તેમણે સ્કૂલ પણ છોડી દીધી હતી. પિતાએ તેમને ગેમ રમવાની ના પાડી અને ઠપકો આપ્યો હતો, જેના કારણે ત્રણેય બહેનોએ આ પગલું ભર્યું. ત્રણેય બહેનો જે રૂમમાં સૂતી હતી, ત્યાં ડાયરીના ૧૮ પેજની સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે- મમ્મી-પપ્પા સોરી... ગેમ નથી છોડી શકતી. હવે તમને એ અહેસાસ થશે કે અમે આ ગેમને કેટલો પ્રેમ કરતા હતા, જે ગેમ તમે છોડાવવા માગતા હતા.


