મેલબોર્નમાં મહાત્મા ગાંધીની ૪ર૬ કિલોની કાંસ્ય પ્રતિમાની ચોરી : ભારતે કૃત્યને વખોડયું
મેલબોર્ન તા.૪: ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાંથી મહાત્મા ગાંધીની કાંસ્યની પ્રતિમાની ચોરી થઈ છે. ગાંધીજીની પ્રતિમા ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન કમ્યુનિટી સેન્ટરની બહાર સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમા નવી દિલ્હીમાં ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ દ્વારા ભેટમાં આપવામાં આવી હતી. તે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય માટે સાંસ્કૃતિક, ઐતિહાસિક અને પ્રતિકાત્મક મહત્વ ધરાવે છે.
વિદેશ મંત્રાલયે મેલબોર્નના રોવિલેમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડની નિદા કરી હતી અને દોષિતો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મીડિયાના એક સવાલના જવાબમાં કહ્યું હતું કે અમે મેલબોર્નના રોવિલમાં ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટરમાં સ્થાપિત કરાયેલી મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે અજાણ્યા લોકો દ્ધારા કરવામાં આવેલી તોડફોડ અને તેની ચોરી કરવાની ઘટનાની સખત નિંદા કરીએ છીએ. જયસ્વાલે કહ્યું હતું કે ભારતે આ ઘટનાને ઓસ્ટ્રેલિયાના અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો છે. ચોરી થયેલી મૂતિર્ને શોધવા અને દોષિતો વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. ઓસ્ટ્રેલિયન મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મેલબોર્નના રોવિલેમાં ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન કમ્યુનિટી સેન્ટરની બહાર સ્થાપિત મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમા ૧૨ જાન્યુઆરીની વહેલી સવારે ચોરાઈ ગઈ હતી.


