જૂનાગઢના રાધાનગરમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી

જૂનાગઢના રાધાનગરમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી

જૂનાગઢ તા.૧૭:
ઐતિહાસિક નગરી જૂનાગઢના ગિરનાર દરવાજા પાસે આવેલ રાધાનગર વિસ્તારના રહીશોએ આપણી પવિત્ર ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરાને જીવંત રાખવાનો પ્રેરણાદાયી સંકલ્પ સાકાર કર્યો છે. રાધાનગરમાં છેલ્લા ઘણા સમયથી માત્ર ભક્તિ, સંસ્કાર અને પારિવારિક ભાવનાને કેન્દ્રમાં રાખીને પરંપરાગત શેરી ગરબીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્થાનિક ગરબીના આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિસ્તારની નાની દીકરીઓ, બહેનો અને પરિવારોને ગરબા રમવા માટે દૂર-દૂરના વિસ્તારોમાં કે અજાણી જગ્યાઓએ જવું ન પડે. પોતાની જ શેરીના આંગણે, સંપૂર્ણ સુરક્ષિત અને પવિત્ર પારિવારિક માહોલમાં સૌ સાથે મળીને ગરબે ઘૂમી શકે. ખાસ કરીને આજકાલ જોવા મળતા પશ્ચિમી ઢબે રમાતા અર્થહીન દાંડિયારાસથી દૂર રહીને, આપણી પરંપરાગત ઢબથી માં આદ્યશક્તિની આરાધના થાય તેવો આયોજકોનો સ્પષ્ટ અને પવિત્ર વિચાર સાથે આયોજન કરવામાં આવેલ છે. મહોત્સવને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ જાદવભાઈ સોલંકી તેમજ એડવોકેટ શ્રી જે. બી. વાજા સાહેબ દ્વારા ઉત્તમ માર્ગદર્શન અને આગેવાની પૂરી પાડવામાં આવી હતી. તેમની સાથે સમગ્ર વ્યવસ્થા, શિસ્ત અને સુચારુ આયોજન જાળવવા માટે આશિષભાઈ થોરિયા, વિશાલભાઈ પરમાર, જગદીશભાઈ મહેતા, રમેશભાઈ ચૌહાણ તેમજ અશ્વિનભાઈ ટોરમલાની તેમજ કુણાલભાઈ, અમિતભાઈ, કિશનભાઇ સહિતના યુવાનો અને આગેવાનોએ ખડેપગે રહીને ભારે જહેમત ઉઠાવી હતી.