જુનાગઢ જિલ્લામાં સૌથી વધુ માંગરોળમાં સાંભેલાધાર 14 ઈંચ વરસાદથી જળબંબાકાર

પંથકમાં 5 કલાકમાં સાંભેલાધાર 9 ઈંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત

જુનાગઢ જિલ્લામાં સૌથી વધુ માંગરોળમાં સાંભેલાધાર 14 ઈંચ વરસાદથી જળબંબાકાર

માંગરોળ તા.2
અસહ્ય ગરમી અને બફારા સાથે જૂન મહિનો કોરોકાટ નિકળી જતા લોકો ચિંતાતુર બની ગયા હતા. પરંતુ જૂલાઇની પહેલી તારીખના પ્રારંભેજ મધ્યરાત્રિથી જુનાગઢ જિલ્લામાં વરસાદ ઓળધોળ થયો છે. છેલ્લી 36 કલાકમાં સમગ્ર જુનાગઢ જિલ્લાના તમામ તાલુકામા વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. જેમાં બે દિવસમાં સૌથી વધુ માંગરોળ તાલુકામાં અવિરતપણે 14 ઈંચ (350મીમી) વરસાદ નોંધાયો છે. માંગરોળમાં બુધવારની મધ્યરાત્રિથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. બુધવારની સાજ સુધી મા માંગરોળમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગુરુવારે પણ અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધીમાં સાંભેલાધાર 9 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. સોલંકી સોસાયટી સહિત અનેક નિચાણવાળા એરિયામાં ઘરોમા પાણી ઘૂસી ગયા હતા. શહેરની જીવાદોરી સમાન લંબોરા ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે નોડી નદીમાં પણ ભારે પૂર આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો પર પાણીની નદીઓ વહેવા લાગી હતી. બંદર ઝાપા, શીફા રોડ જેવા રસ્તાઓ પર ધોડાપૂર આવતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. બંદર ઝાપે પાણીનિકાલ માટેનું નાળવુ ઓવરફ્લો થયું હતું. એકદરે પાલિકાની પ્રિમોનસૂનની કામગીરીની પોલ ખૂલી હતી. ચાચવા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા માંગરોળનો કેશોદરોડ ભારે પૂરના કારણે બંધ થયો હતો. ભારે વરસાદને પગલે માંગરોળ મામલતદાર અને પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું. અને તમામ તકેદારીના ભાગ રૂપે ખડે પગે રહ્યા હતા. એવી રીતે અનેક સેવાભાવી સંસ્થાઓએ વરસાદથી પ્રભાવિત લોકોની મદદગારી કરી હતી. ભારે વરસાદને પગલે ચારે વીજ ફોલ્ટ થતા પીજીવીસીએલની પ્રીમોનસૂનની કામગીરી પર સવાલો ઉભા થયા હતા.
માંગરોળ સહિત સમગ્ર જુનાગઢ જીલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સાંજના 4 વાગ્યા સુધીમાં જુનાગઢ જિલ્લામાં સૌથી વધુ માંગરોળમાં 14 ઈચ. માળીયા હાટીના 13 ઈંચ, કેશોદમા 11 ઈંચ, માણાવદર 6 ઈંચ ,ભેંસાણમા 5 ઈંચ, વંથલીમાં 4.5 ઈંચ,  જૂનાગઢ 4 ઈંચ, મેંદરડામાં 3 ઈંચ,  વિસાવદરમાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે સમગ્ર સોરઠ પંથકમાં એક ઝટકે પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે. સમગ્ર જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં જ વાવણી લાયક વરસાદ થઈ જતા ધરતીપૂત્રો મા હરખની હેલી જોવા મળે છે.