દિલ્હી પોલીસે મંજૂરી આપવાનો કર્યો ઇનકાર: સિંગર દિલજીત દોસાંજનો ૩૦ ઓક્ટોબરનો કોન્સર્ટ રદ થવાની શક્યતા
દિલ્હીના JLN સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમ પર સુરક્ષા કારણોસર અનિશ્ચિતતાના વાદળો; તહેવારો અને જોખમી ઇનપુટ્સને ટાંકી બુકમાયશોને મોકલાયો પત્ર
મુંબઈ, તા.૨૩
લોકપ્રિય પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજના બહુપ્રતિક્ષિત ‘ઓરા ઇન્ડિયા ટૂર’ના દિલ્હી કોન્સર્ટને લઈને મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. આગામી ૩૦ ઓક્ટોબરે દિલ્હીના જવાહરલાલ નેહરુ (JLN) સ્ટેડિયમ ખાતે યોજાનારા આ ભવ્ય કોન્સર્ટને દિલ્હી પોલીસે કાયદો-વ્યવસ્થા અને સુરક્ષાના કારણોસર મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. પોલીસના આ નિર્ણય બાદ કાર્યક્રમ અને ટિકિટધારકોની વ્યવસ્થાઓને લઈને ભારે અનિશ્ચિતતા સર્જાઈ છે.
સામે આવેલા અહેવાલો મુજબ, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ જિલ્લો)ની કચેરી દ્વારા સત્તાવાર ટિકિટિંગ પ્લેટફોર્મ ‘બુકમાયશો’ (BookMyShow)ને એક ઔપચારિક પત્ર પાઠવવામાં આવ્યો છે. આ પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે દિલજીત દોસાંજના ‘ઓરા ઇન્ડિયા ટૂર’ અંતર્ગત દિલ્હીમાં યોજાનારા કાર્યક્રમ માટે મળેલી મંજૂરીની અરજીની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતાં તેને મંજૂરી આપી શકાય તેમ નથી.
દિલ્હી પોલીસે પોતાના પત્રમાં “ખાસ જોખમ સંબંધિત ગુપ્ત માહિતી” (Specific Threat Inputs)નો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત, હાલ ચાલી રહેલી તહેવારોની મોસમને કારણે પોલીસ દળ સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયમન અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં મોટા પાયે વ્યસ્ત હોવાથી આવા વિશાળ કાર્યક્રમ માટે પૂરતો બંદોબસ્ત ફાળવવો મુશ્કેલ હોવાનું જણાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે દિલજીત દોસાંજ અને તેમની ટીમ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ૩૦ ઓક્ટોબરના આ કોન્સર્ટનો સતત પ્રચાર કરી રહી હતી. દિલજીતે પોતાના ‘ઓરા ટૂર’ના ભારતીય તબક્કાની શરૂઆત ૩૦ ઓક્ટોબરે દિલ્હીથી કરવાની જાહેરાત કરી હતી.
આ ટૂરના નિર્ધારિત શિડ્યુલ મુજબ ૧ નવેમ્બરે દિલ્હી-એનસીઆર, ૧૫ નવેમ્બરે ઇન્દોર, ૨૧ નવેમ્બરે અમદાવાદ, ૨૭ નવેમ્બરે મુંબઈ, ૨૯ નવેમ્બરે બેંગલુરુ અને ૫ ડિસેમ્બરે લખનૌમાં કોન્સર્ટ યોજાવાના છે. જોકે, શરૂઆતના મુખ્ય દિલ્હી કાર્યક્રમને જ પોલીસે પરવાનગી ન આપતાં હવે સમગ્ર આયોજન અટવાયું છે અને હજારો ટિકિટધારકો હવે સત્તાવાર સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે.


