દેશભરમાં છેલ્લા 3 માસમાં 50 ટન ઘરેલુ સોનાનું વેચાણ : રોકડી કરવા હોડ લાગી

દેશભરમાં છેલ્લા 3 માસમાં 50 ટન ઘરેલુ સોનાનું વેચાણ : રોકડી કરવા હોડ લાગી

કોલકતા, તા.29
અનેકવિધ વૈશ્વિક તણાવ અને પડકારો ઉભા હોવા છતાં છેલ્લા મહિનાઓમાં સોના-ચાંદીના ભાવોમાં ગાબડા પડયા છે. ભાવ વધુ ઘટવાની આશંકાથી ભારતીયો ‘ઘરનુ સોનુ‘ વેચવા ઉતાવળા બન્યા હોય તેમ એપ્રિલથી જુનના કવાર્ટરમાં 50 ટન સોનુ વેચી નાખ્યાનો અંદાજ છે. ગત વર્ષના આ ગાળાની સરખામણીએ 43 ટકા વધુ સોનુ વેચ્યુ છે.
ઈન્ડિયા બુલીયન એન્ડ જવેલર્સ એસોસીએશનના રિપોર્ટ પ્રમાણે છેલ્લા મહિનાઓમાં સોનાના ભાવ ઘણા ઘટયા છે. હાલ 1.45 લાખ આસપાસ અથડાઈ રહ્યા છે. આવતા સમયમાં ઘટીને 1.20 લાખ થવાની અટકળોથી ઘરમાં પડેલુ સોનુ વેચીને રોકડી કરી લેવાનો લોકોમાં ટ્રેન્ડ વધ્યો છે. અત્યારસુધી જુના દાગીના સામે નવા દાગીના લેવાતા હતા.
હવે વધુ સંખ્યામાં લોકો રોકડ નાણાં મેળવી રહ્યાં છે. સંસ્થાના સેક્રેટરી, સુરેન્દ્ર મહેતાએ કહ્યું કે વર્ષના પ્રારંભે સોનાનો ભાવ 1.80 લાખ હતો, હવે 1.45 લાખ થયા છે. વધુ ઘટીને 1.2 લાખ થઈ શકે તેવી ગણતરીએ લોકો સોનુ વેચી રહ્યા છે. એક સારી વાત એ છે કે ઘરમાં પડેલુ સોનુ સરકયુલેશનમાં આવવા લાગતા આયાત પરનુ દબાણ ઘટી શકશે.