નૈઋત્ય ચોમાસાએ સડસડાટ ગતિ પકડી: સમગ્ર દેશમાં છવાઈ ગયું
નવી દિલ્હી, તા.3
દેશના મોટાભાગના રાજ્યોમાં નૈઋત્ય ચોમાસાની એન્ટ્રી મોડી રહ્યા બાદ હવે તે સમગ્ર દેશમાં પ્રવેશી ગયું છે. છેલ્લા ત્રણેક દિવસમાં ચોમાસાએ રફતાર પકડી લીધી હતી. પરિણામે દિલ્હી-રાજસ્થાન સહિતના બાકીના રાજ્યો પણ કવર થઇ ગયા છે. ગુજરાત સહિત અમુક રાજ્યોના કેટલાંક ભાગોમાં એન્ટ્રી બાકી છે તેમાં પણ આવતા 48 કલાકમાં એન્ટ્રી થઇ જશે તેમ હવામાન વિભાગે જાહેર કર્યું છે.
હવામાન વિભાગના રીપોર્ટ પ્રમાણે નૈઋત્ય ચોમાસુ સમગ્ર દેશમાં સક્રિય થઇ ગયું છે. પાટનગર દિલ્હી તથા રાજસ્થાનમાં પણ એન્ટ્રી કરી લીધી હતી. સાથોસાથ હરિયાણા, પંજાબ અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ આગળ વધી ગયું હતું.
આ વર્ષે લગભગ તમામ રાજ્યોમાં ચોમાસાનો પ્રવેશ મોડો થયો હતો. રાજસ્થાનમાં 20 જુન તથા દિલ્હીમાં 27 જુને પ્રવેશતું હોય છે પરંતુ આ વખતે અનુક્રમે 12 અને પાંચ દિવસનું મોડુ થયું છે. હવે આવતા 48 કલાકમાં ચોમાસુ ઉતરીય અરબી સમુદ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા તથા રાજસ્થાનના વધુ ભાગોમાં આગળ ધપી શકે છે.


