ભારત સાયબર માફીયાઓ અને હેકર્સનું મુખ્ય નિશાન : ચોંકાવનારો અહેવાલ
(એજન્સી) નવી દિલ્હી તા.૧૪
પ્રસિદ્ધ સાઇબર સિક્યોરિટી ફર્મ ‘કેસ્પરસ્કી‘ના તાજેતરનાં રિપોર્ટ અનુસાર, એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સાઇબર હુમલાખોરોના મુખ્ય નિશાના પર આવી ગયું છે. ભારત હવે એવા ટોચનાં પાંચ દેશોમાં સામેલ છે જ્યાં ‘એડવાન્સ્ડ પસિર્સ્ટન્ટ થ્રેટ્સ‘ (APT) જેવા અત્યંત જટિલ અને આયોજનબદ્ધ સાઇબર હુમલા સૌથી વધુ થઈ રહ્યાં છે. ડિજિટલ યુગમાં ઝડપથી આગળ વધી રહેલાં ભારત સામે આ રિપોર્ટે એક મોટો સાઇબર ખતરો જાહેર કર્યો છે.
સામાન્ય વાયરસ કે માલવેરના હુમલાથી અલગ, APT હુમલામાં હેકર્સ કોઈ પણ સિસ્ટમ કે નેટવર્કમાં ઘૂસણખોરી કરીને તરત જ નુકસાન પહોંચાડવાને બદલે મહિનાઓ સુધી છૂપી રીતે બેસી રહે છે.
આ દરમિયાન તેઓ સંવેદનશીલ ડેટાની ચોરી કરે છે અને સિસ્ટમની દરેક ગતિવિધિ પર નજર રાખે છે. કેસ્પરસ્કીના રિપોર્ટ મુજબ એશિયા-પેસિફિક રીજનમાં ભારત ઉપરાંત ચીન, મ્યાનમાર, પાકિસ્તાન અને વિયેતનામ જેવા દેશો પણ હેકર્સના મુખ્ય નિશાન પર છે.


