ચાંદીમાં વધુ રૂા.૧૧,૦૦૦નો તિવ્ર ઉછાળો : ભાવ રૂા.ર.પ૧ લાખ
(એજન્સી) મુંબઈ, તા.૨૭:
બુલીયન માર્કેટમાં સોના-ચાંદીમાં એકધારી તેજીને પગલે બંને કિંમતી ધાતુઓના ભાવોમાં રોજબરોજ નવી ઐતિહાસિક સપાટી જોવા મળી રહી છે. ચાંદીમાં મોડી રાત્રે વધુ ૧૧૦૦૦ રૂપીયા અને સોનામાં ૧ર૦૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં મોડી રાત્રે વધુ ૧૧૦૦૦ રૂા. વધ્યા હતા. ગઇકાલે
ચાંદી (૧ કિલો)ના ભાવ ર,૪૦,૦૦૦ રૂા. હતા તે વધીને ર,પ૧,૦૦૦ ની નવી ઐતિહાસિક સપાટી બનાવી હતી. છેલ્લા ર૪ કલાકમાં ચાંદીમાં ૧૮,૦૦૦ રૂપીયાનો તોતીંગ ભાવવધારો
થયો છે. પરમ દિવસે ચાંદી ૧ કિલોના ભાવ ર,ર૬,૦૦૦ રૂા. હતા તે વધીને ગત મોડી રાત્રે ર,પ૧,૦૦૦ ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.
વિશ્વ માર્કેટમાં ઔદ્યોગીક ક્ષેત્રે ચાંદીની જબ્બર ડીમાન્ડ અને હાજર માલની ખેંચને કારણે ચાંદીના ભાવમાં જબ્બર ઉછાળો થઇ રહયાની ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું.
ચાંદીની સાથે સોનામાં પણ તેજી યથાવત રહી હતી. સોનામાં વધુ ૧ર૦૦ રૂપીયાનો ઉછાળો થતા સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૪૧,૩૦૦ રૂા. હતા તે વધીને મોડી રાત્રે ૧,૪૩,૦૦૦ રૂા.ની નવી સપાટી બનાવી હતી.
ચાંદીએ આ વર્ષે જબરદસ્ત નફો કર્યો છે, અને સોનાએ પણ નોંધપાત્ર લાભ આપ્યો છે. ૨૩ જુલાઈ, ૨૦૨૫ના રોજ, ભારતમાં ચાંદીનો ભાવ રૂ.૧.૧૮ લાખના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જુલાઈના મધ્યથી જુલાઈના અંત સુધીમાં, ચાંદી રૂ.૧.૧૫ લાખથી રૂ.૧.૧૮ લાખ સુધી પહોંચી ગઈ હતી. આજે, ૨૮ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ, ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ.૨.પ૦ લાખને વટાવી ગયો છે. તેનો અર્થ એ થયો કે જેમણે જુલાઈમાં ચાંદી ખરીદી હતી, રેકોર્ડ ઊંચાઈ હોવા છતાં, તેઓ આજે ખૂબ જ કમાણી કરી રહ્યા છે. તેમના પૈસા ફક્ત પાંચ મહિનામાં બમણા થયા! શું આટલા પૈસા બીજે ક્યાંયથી કમાઈ શક્યા હોત બેંકોમાં પૈસા બમણા થવામાં વર્ષો લાગે છે, જ્યારે ચાંદીએ તેમને માત્ર પાંચ મહિનામાં ધનવાન બનાવ્યા છે.
૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.૮૯,૭૦૦ હતો અને આજે તે રૂ.૨.૩૬ લાખને વટાવી ગયો છે. તેનો અર્થ એ થયો કે ત્યારથી તેમાં રૂ.૧,૪૬,૬૫૦ અથવા ૧૬૩.૫%નો વધારો થયો છે. આનો અર્થ એ થયો કે જેણે ચાંદીમાં રૂ.૫ લાખનું રોકાણ કર્યું છે તેની પાસે આજે રૂ.૧૩.૧૭ લાખ હશે, અને જેણે રૂ.૧૦ લાખનું રોકાણ કર્યું છે તેની પાસે આજે રૂ.૨૬.૩ લાખથી વધુ હશે.


