ભવનાથ ગ્રાઉન્ડમાં રાઈડસ ચલાવવા ઉપર પ્રતિબંધને પગલે નાના ધંધાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા
ગઈકાલે તંત્ર સામે ભારે આક્રોશ સાથે રાઈડસ ધારકોએ આંદોલન છેડયું : રસ્તો ચક્કાજામ કરી દેતા અફરાતફરી
જૂનાગઢ તા.ર૦
ભવનાથ વિસ્તારમાં જીલ્લા પંચાયત ગેસ્ટહાઉસ સામે આવેલા મેદાનમાં જ્યાં રાઈડસ સહિતના મનોરંજન માટેની તેમજ ખાણીપીણી માટેની લારીઓ સહિતના નાના ધંધાર્થીઓ દ્વારા ધંધા-રોજગાર મેળવી અને પરિવારનું ગુજરાન ચલાવવામાં આવી રહ્યું હતું. દરમ્યાન ગઈકાલે રાઈડસ ઉપર પ્રતિબંધ મુકી દેવાના પગલે રોજીરોટી છીનવાઈ જવાના પગલે નાના ધંધાર્થીઓમાં આક્રોશ ફેલાયો હતો અને એક તકે તો રાઈડસ ધારકો તેમજ નાના શ્રમિકોએ ગઈકાલે રસ્તો રોકી અને ચક્કાજામ કરી દીધો હતો. અને ભારે વિરોધ દર્શાવ્યો હતો. માંડ-માંડ મામલો થાળે પડયો હતો. તો બીજી તરફ તંત્રની અન્યાયકારી નિતી સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે મંજુરી આપવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી હતી.
રવિવારનો દિવસ હોય એટલે જૂનાગઢવાસીઓ પોતાના પરિવારજનો સાથે તેમજ બહારથી આવેલા પ્રવાસીઓ પણ ભવનાથ વિસ્તારમાં અચુક સાંજના સમયે ફરવા માટે જતા હોય, શહેરીજનો માટે ભવનાથ ક્ષેત્ર એક હરવા ફરવાનું તેમજ આદ્યાત્મિક ક્ષેત્ર પણ હોય જેને લઈ વિશેષ આકર્ષણ રહે છે. તેમજ બાળકોને ફરવા માટેનું પણ સારૂ સ્થળ હોય અને જીલ્લા પંચાયત ગેસ્ટહાઉસ સામે આવેલી જગ્યામાં દર રવિવારે મેળા જેવું વાતાવરણ સર્જાતું હોય છે વિવિધ રાઈડસ સાથેની મનોરંજનની પણ અનેક વસ્તુઓ હોય છે અને ખાણીપીણીના સ્ટોલો પણ હોય છે. રવિવારના દિવસે શ્રધ્ધાળુઓ અને સહેલાણીઓના આનંદ પ્રમોદથી આ ક્ષેત્ર ગાજતું હોય છે પરંતુ ગઈકાલે ભારે અરાજકતા, સુત્રોચ્ચાર અને તંત્ર સામેના આક્રોશના દૃશ્યો જાેવા મળ્યા હતા. રાજકોટના ટીઆરપી ગેમજાેન અગ્નીકાંડ બાદ સમગ્ર રાજયમાં મનોરંજનની રાઈડસ પર કડક પ્રતિબંધ લાદી દેવામાં આવેલ છે જેની સીધી અસર જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં નાની રાઈડસ ચલાવીને ગુજરાન ચલાવતા ગરીબ પરિવારો પર પડી છે.

લાંબા સમયથી ધંધો બંધ રહેતા આર્થિક સંકડામણ અનુભવતા નાના ધંધાર્થીઓ અને રાઈડસ ધારકોએ ગઈકાલે ભવનાથનો મુખ્ય રસ્તો રોકી ચક્કાજામ કરી દીધો હતો. પોતાના પરિવારનું પેટ ભરવા માટે મથતા આ શ્રમિકોએ તંત્રની અન્યાયી નિતી સામે સવાલો ઉઠાવી અને આંદોલન છેડયું હતું. તંત્ર તેમજ ભવનાથ પોલીસ ઉપર પણ ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. દરમ્યાન છેલ્લા ઘણા વર્ષથી રાઈડસના ધંધા સાથે સંકળાયેલા નાના ધંધાર્થીએ જણાવ્યું હતું કે, તેમની પાસે કોઈ મોટા વિજળીથી ચાલતા સાધનો નથી પરંતુ બેટરીથી ચાલતી નાની રાઈડસ છે જેનાથી કોઈ જાનહાની થવાનો ખતરો નથી. તેમ છતાં પોલીસ અને મનપા દ્વારા બળજબરીથી તેમનો ધંધો બંધ કરી દેવામાં આવ્યો છે. જાે રસ્તા પર ખાણીપીણીની લારીઓ અને અન્ય દબાણોને મંજુરી મળતી હોય, તો પછી તેમને સાઈડમાં રહીને ધંધો કરવાની મંજુરી કેમ આપવામાં આવતી નથી. દરમ્યાન રવિવારની રજા હોવાથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ભવનાથના રસ્તા પર ઉમટી પડયા હતા પરંતુ રસ્તો રોકવાને કારણે જીલ્લા પંચાયત ગ્રાઉન્ડ પાસે લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી. લાંબી સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. દરમ્યાન પ્રવાસીઓ માટે મનોરંજનનું કેન્દ્ર એવું ભવનાથ ગ્રાઉન્ડ વિરોધનું કેન્દ્ર બન્યું છે. સરકાર અને તંત્ર સુરક્ષાના નિયમો જાળવીને પણ નાના ધંધાર્થીઓને નાની રાઈડસ ચલાવવાની મંજુરી આપે તેવી માંગણી કરેલ છે.


