મીસ્ટર નટવરલાલની સ્ટાઈલમાં ગરીબ રીક્ષા-ટેમ્પો ચાલકોને નિશાન બનાવતા શાતીર ઠગને ઝડપી લેતી વેરાવળ પોલીસ

ગુજરાતનાં ૩૧ શહેરોમાં આશરે ૮ર છેતરપીંડી કર્યાનો પર્દાફાશ થયો 

મીસ્ટર નટવરલાલની સ્ટાઈલમાં ગરીબ રીક્ષા-ટેમ્પો ચાલકોને નિશાન બનાવતા શાતીર ઠગને ઝડપી લેતી વેરાવળ પોલીસ

(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ૩
ગુજરાત રાજયમાં આશરે ૩૧ જેટલા શહેરોમાં વાહન ચાલકો સાથે રોકડ રકમની નાણાંકીય છેતરપીંડી કરવાની ટેવ ધરાવતા અમરેલીનાં શખ્સને વેરાવળની સર્વેલન્સ સ્ટાફે સીસીટીવી ફૂટેજ અને ટેકનીકલ એનાલીસીસનાં આધારે પકડી પાડી રૂા. ૭,પ૦૦ રોકડા, મોબાઈલ ફોન સહિત રૂા. કુલ રૂા. ૩૭૦૦૦નાં મુદામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર  વેરાવળનાં મોરી સર્કલ પાસે એક રીક્ષા ચાલક પેસેન્જર અને ભાડાની રાહ જાેઈ ઉભો હતો આ દરમ્યાન અમરેલીનાં ચક્કરગઢ રોડ ઉપર ગ્રીનલાઈટ એપાર્ટમેન્ટમાં ગજેરા સ્કુલ સામે રહેતો જયકુમાર મનુભાઈ દુધાત નામનો શખ્સ આવ્યો હતો તેણે કહયું કે, હું એસબીઆઈ બેંકમાં નોકરી કરૂ છું મારે બેંકની ફાઈલો લેવા જૂનાગઢ જવાનું છે કહીને ઓટો રીક્ષા ભાડે કરીને જૂનાગઢ લઈ ગયો હતો. રસ્તામાં રીક્ષા ચાલકની સાથે ઘરોબો કેળવી લીધો હતો. કાળવા ચોકમાં પહોંચ્યા બાદ આ શખ્સે રીક્ષા ચાલકને પોતાના ફોનનું સર્વર ડાઉન છે તેમ કહીને વાક્છટાથી રીક્ષા ચાલકને કહયું કે, તમે મને રૂા. ૬૦૦૦ આપો હું તમને કાળવા ચોક બ્રાંચમાં જઈ મેનેજર પાસેથી આ રૂપિયા અને તમારા ભાડાની રકમ આપી દઈશ તેમ કહીને પૈસા હસ્તગત કરી લીધા હતા બાદમાં આ શખ્સ ત્યાંથી રફુચકર થઈને પોતાનો ફોન સ્વીચઓફ કરી દીધો હતો. લાંબા સમય સુધી રાહ જાેવા છતાં આ શખ્સ પરત નહી આવતા રીક્ષા ચાલકે ફોન કરવાનો પ્રયાસ કરતા લાગતો ન હતો આથી છેતરાયાનો અહેસાસ થતાં અગાઉ પોલીસ ફરીયાદ કરી હતી તે પછી પોલીસે જુદી જુદી રીતે તપાસનો દોર ચાલુ રાખ્યો હતો. દરમ્યાન વેરાવળ સીટી પોલીસની સર્વેલન્સ ટીમે સીસીટીવી અને ટેકનીકલ એનાલીસીસનાં આધારે આ શખ્સને ઝડપી લીધો હતો અને તેની પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. બેંક કર્મચારીનો સ્વાંગ રચી ઈંગ્લીશ પુસ્તકો, પેપરોનો ઠાઠ અને સર્વર ડાઉનનું બહાનું બતાવી રીક્ષા તેમજ ટેમ્પો ચાલકોને નિશાન બનાવતો હતો. આ શખ્સની ઉંડાણપૂર્વકની પુછપરછ કરતા તેમણે ગુજરાતનાં ૩૧ શહેરોમાં ૮ર જેટલી છેતરપીંડી કર્યાનો પર્દાફાશ થયો હતો. વેરાવળ પોલીસે આ શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ વેરાવળ સીટી પોલીસનાં પીઆઈ જે.એન. ગઢવી ચલાવી રહયા છે.