વંથલી-જૂનાગઢ હાઈવે પર રેતી ભરેલું ડમ્પર પલટ્યું, કાર પર પડ્યો ૧૫ ટન રેતીનો ઢગલો

બાઈકચાલકને બચાવવા અચાનક બ્રેક મારતાં ડમ્પર બેકાબૂ બન્યું; કાર પાસે ઊભેલા બે લોકોએ ભાગીને બચાવ્યો જીવ, અકસ્માતના CCTV વાયરલ

વંથલી-જૂનાગઢ હાઈવે પર રેતી ભરેલું ડમ્પર પલટ્યું, કાર પર પડ્યો ૧૫ ટન રેતીનો ઢગલો

જૂનાગઢ તા.8
વંથલી-જૂનાગઢ હાઈવે પર શાપુર ચોકડી નજીક રેતી ભરેલું ડમ્પર પલ્ટી જતાં હચમચાવી નાખતો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા ડમ્પર સામે અચાનક બાઈકચાલક રોડ ક્રોસ કરવા આવતાં તેને બચાવવાના પ્રયાસમાં ડમ્પરચાલકે બ્રેક મારી હતી. જોકે ડમ્પર બેકાબૂ બની પલટી મારી ગયું હતું. સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયો છે.
મળતી માહિતી અનુસાર ડમ્પરમાં અંદાજે ૧૫ ટન રેતી ભરેલી હતી. ડમ્પર પલ્ટી જતાં આ રેતી રસ્તાની સાઈડમાં પાર્ક કરેલી કાર પર ઢોળાઈ ગઈ હતી. અકસ્માત સમયે કાર નજીક બે વ્યક્તિઓ પણ ઊભી હતી. ડમ્પરને પોતાની તરફ આવતું જોઈ બંનેએ તાત્કાલિક ત્યાંથી દૂર ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન રેતીનો મોટો જથ્થો કાર પર તેમજ એક વ્યક્તિ તરફ ઢોળાયો હતો. જોકે સદનસીબે બંને વ્યક્તિનો બચાવ થયો હતો. અકસ્માતના CCTV દૃશ્યોમાં સમગ્ર ઘટના ગણતરીની સેકન્ડમાં બનતી જોવા મળે છે.
અકસ્માતનાં દૃશ્યો સામે આવ્યા બાદ સ્થાનિકોમાં પૂરપાટ ઝડપે દોડતાં ભારે વાહનોને લઈને રોષ જોવા મળ્યો છે. સ્થાનિકો દ્વારા આવા ડમ્પરોની ગતિ પર નિયંત્રણ લાવવા અને માર્ગ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવાની માગ કરવામાં આવી રહી છે.
અકસ્માત બાદ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી સાથે માર્ગ પરથી ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી હાથ ધરી હતી.