વેરાવળના ઈશ્વરીયા ગામે ખેતમજૂર પર દિપડાનો જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં ઇજાગ્રસ્તને સિવિલમાં ખસેડાયો

મજુર ખેતરમાં પાણી વાળી રહેલ તે સમયે દિપડાએ અચાનક હુમલો કર્યો : ગ્રામજનોએ હુમલાખોર દિપડાને તાત્કાલિક પકડવાની  માંગ કરી

વેરાવળના ઈશ્વરીયા ગામે ખેતમજૂર પર દિપડાનો જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં ઇજાગ્રસ્તને સિવિલમાં ખસેડાયો

(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ તા.20
વેરાવળ તાલુકાના ઇશ્વરીયા ગામમાં બપોરે ખેતરમાં કામ કરી રહેલા એક ખેતમજૂર પર દિપડાએ જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા ખેતમજૂરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની મળતી માહિતી મુજબ ઇશ્વરીયા ગામના માનસિંગભાઈ જાદવના ખેતરમાં અગીયારેક વાગ્યે ખેતમજૂર હરીભાઈ ચાંડપા પાણી વાળવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે ખેતરની નજીક છુપાયેલો દિપડો અચાનક બહાર આવી હરીભાઈ પર તૂટી પડ્યો હતો. દિપડાએ શરીરના વિવિધ ભાગોમાં હુમલો કરતા હરીભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. તેમની બૂમાબૂમ સાંભળી આસપાસ કામ કરતા અન્ય મજૂરો અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. લોકો એકત્ર થતાં દિપડો ત્યાંથી જંગલ તરફ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્ત હરીભાઈને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે સ્થાનિક આગેવાન કરશન બારડ સહિતના ગ્રામજનો દોડી આવી ઇજાગ્રસ્તના આરોગ્ય અંગે માહિતી મેળવી હતી. જયારે ઘટનાની જાણ વન વિભાગને થતાં અધિકારીઓ અને સ્ટાફ પણ હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી. હુમલો કરનાર દિપડાની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ઘટનાને પગલે ઇશ્વરીયા સહિત આસપાસના ગામોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી દિપડા સહિતના જંગલી પ્રાણીઓ વસાહતો અને ખેતીવાડી વિસ્તારોમાં વારંવાર દેખાઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતો અને ખેતમજૂરોમાં સતત ભય રહે છે. અગાઉ પણ જંગલી પ્રાણીઓના ત્રાસ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કાયમી ઉકેલ આવ્યો નથી. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ હુમલો કરનાર દિપડાને તાત્કાલિક પકડી અન્ય ગામોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અસરકારક પગલાં ભરવાની માંગ ઉઠાવી છે. હાલ ઇજાગ્રસ્ત હરીભાઈ ચાંડપાની સારવાર ચાલી રહી છે, જ્યારે વન વિભાગ દિપડાને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.