શ્રી ખોડલધામ ટ્રસ્ટ અને SPCF દ્વારા રાજકોટમાં અદ્યતન ડાયગ્નોસ્ટિક સેન્ટરનો દશેરાથી શુભારંભ

ગુણવત્તાયુક્ત અને વ્યાજબી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સેવાભાવી પહેલ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ અને SPCF દ્વારા રાજકોટમાં અદ્યતન ડાયગ્નોસ્ટિક સેન્ટરનો દશેરાથી શુભારંભ

(પંકજ ઝીબા દ્વારા)
રાજકોટ તા.૧૭
આરોગ્ય સેવાઓને વધુ સુલભ, ગુણવત્તાયુક્ત અને સામાન્ય નાગરિકોને પરવડે તેવી બનાવવાના ઉદ્દેશ્ય સાથે શ્રી ખોડલધામ ટ્રસ્ટ - કાગવડ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન - રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં સૌરાષ્ટ્રનું એકમાત્ર અદ્યતન ટેકનોલોજીથી સજ્જ SPCF ડાયગ્નોસ્ટિક સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને આધુનિક નિદાન સેવાઓ વ્યાજબી દરે ઉપલબ્ધ કરાવવાનો છે. આગામી તારીખ ૨૦ ઓક્ટોબરને મંગળવારના રોજ દશેરાના દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના હસ્તે આ ડાયગ્નોસ્ટિક સેન્ટરનો પ્રારંભ કરવામાં આવશે. આજના સમયમાં રોગનું સમયસર નિદાન અને યોગ્ય તબીબી સારવાર અત્યંત મહત્ત્વ ધરાવે છે. અનેક વખત નિદાન પરીક્ષણોના ખર્ચને કારણે સામાન્ય પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી રહેલું SPCF ડાયગ્નોસ્ટિક સેન્ટર વ્યાજબી દરે કાર્યરત રહેશે, જેથી વધુમાં વધુ લોકોને ગુણવત્તાયુક્ત નિદાન સેવાઓનો લાભ મળી શકે. સેન્ટરમાં અત્યાધુનિક મેડિકલ સાધનો અને ટેકનોલોજીની મદદથી નિષ્ણાત ડોક્ટર્સ તથા પેરા મેડિકલ સ્ટાફ દ્વારા વિવિધ પ્રકારનાં નિદાન પરીક્ષણોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમાં સોનોગ્રાફી, ડિજિટલ એક્સ-રે, મેમોગ્રાફી, કલર ડોપ્લર, TMT, ઇસીજી, ઇકોકાડિર્યોગ્રાફી સહિત વિવિધ લેબોરેટરી તપાસોની સુવિધાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બ્લડ ટેસ્ટ, બાયોકેમિસ્ટ્રી, હોર્મોનલ તપાસો અને અન્ય જરૂરી નિદાન સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે. આ અત્યાધુનિક SPCF ડાયગ્નોસ્ટિક સેન્ટર રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં ન્યૂ માયાણીનગર ખાતે આવેલા સરદાર પટેલ ભવન ખાતે કાર્યરત થશે છે. સેન્ટર ખાતે દર્દીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિવિધ તપાસની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદ દર્દીઓ માટે હોમ કલેક્શનની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનની આ પહેલ આરોગ્ય ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું બની રહેશે. સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને વાજબી દરે વિશ્વસનીય નિદાન સેવાઓ મળી રહે તથા સમયસર તપાસ દ્વારા રોગની ઓળખ કરવામાં મદદ મળે તેવા આશય સાથે આ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે. SPCF ડાયગ્નોસ્ટિક સેન્ટર ખાતે રેડિયોલોજિસ્ટ, પેથોલોજિસ્ટ, કાડિર્યોલોજિસ્ટ સહિતના પોત પોતાના ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટર્સ સેવા આપશે. વધુ માહિતી અને સંપર્ક માટે: ૭૪૩૪૮ ૨૯૨૯૮, ૭૪૩૪૮ ૨૯૨૯૯, હોમ કલેક્શન માટે: ૭૪૩૪૮ ૨૯૨૯૭.