સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા પ્રાચીન ગરબી મંડળની ૧૫૦૦થી વધુ બાળાઓને પ્રસાદ ભોજન કરાવાયું
કિન્નર અખાડાના કિન્નર સમાજ અને પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટની અંધ દીકરીઓએ સાથે મળીને માતાજીના રાસ-ગરબાની રમઝટ બોલાવી
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૯
જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા તા.૧૮-૧૦-૨૦૨૬, રવિવારના રોજ જવાહર રોડ સ્થિત મોઢ વણિક જ્ઞાતિની વાડી ખાતે નવરાત્રિ પર્વ નિમિત્તે અનોખા સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જૂનાગઢનાં વિવિધ પ્રાચીન ગરબી મંડળોની ૧૫૦૦થી વધુ બાળાઓને ભાવભેર ભોજન-પ્રસાદ કરાવી, કટલેરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ બાળાઓનું માતાજીના સ્વરૂપે પૂજન કરી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જૂનાગઢના કિન્નર અખાડા સમાજનાં નીલુ માસી સહિત કિન્નર સમાજનાં સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમને પ્રસાદી સ્વરૂપે બ્લેન્કેટ, સાડી, બ્લાઉઝ, ચણિયો, કટલેરી કીટ તેમજ રોકડ પુરસ્કાર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગની વિશેષ આકર્ષણરૂપ ક્ષણ ત્યારે સર્જાઈ, જ્યારે કિન્નર સમાજનાં સભ્યો અને પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ સાથે મળીને માતાજીના રાસ-ગરબા રજૂ કર્યા હતા. આ અનોખા સંગમથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને ઉપસ્થિત સૌએ આ હૃદયસ્પર્શી દૃશ્યને ઉત્સાહભેર વધાવી લીધું હતું. આ સેવાયજ્ઞને સફળ બનાવવા સહયોગ આપનાર દાતાઓ, સમાજશ્રેષ્ઠીઓ અને મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશભાઈ મેઘનાથી, દેવીદાસભાઈ નેણસાણી, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, બટુકબાપુ, ચંપકભાઈ જેઠવા, હરજીવનભાઈ ગોપાની, જલ્પેશભાઈ બુંદેલા, પ્રવીણભાઈ જોશી, રાજેન્દ્રભાઈ ચુડાસમા, કે.કે. ગોસાઈ, કૈલાશપુરી ગોસાઈ, ખીમજીભાઈ ડાભી, કમલેશભાઈ ટાંક, મનોજભાઈ સાવલિયા તથા દીપકભાઈ ભટ્ટી સહિતના સેવાભાવી કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત મિનરાજ સ્કૂલ સંકુલ, ભવનાથના દાદુભાઈ કનારા દ્વારા મોકલવામાં આવેલા વિદ્યાર્થીઓ, ટીંબાવાડી રાધા-રમણ સ્વામિનારાયણ મહિલા મંડળનાં બહેનો તેમજ શારદાબેન ગાજીપરા અને તેમની મહિલા ટીમે ઉત્કૃષ્ટ સેવા આપી હતી.
'


