જૂનાગઢમાં ગટરના ઢાંકણા સાથે બાઇક અથડાતા આશાસ્પદ યુવાનનું મૃત્યું

0

મનપાના નિંભર અને બેજવાબદાર તંત્ર સામે માનવ સાઅપરાધ અંતર્ગત ગુનો દાખલ કરવા પણ માંગ

જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકાના તંત્રવાહકો સામે પ્રાથમિક સુવિધાના પ્રશ્ને દાવાનળ સળગ્યો છે. એટલું જ નહી જુન માસમાં સર્જાયેલા જલ પ્રલયના કારણે પણ લોકોના જીવ પડીકે બંધાયા હતા અને સત્તાધીશો સામે ભારે રોષની લાગણી ઉઠવા પામી છે. આ ઉપરાંત શહેરમાં આડેધડ થતા રોડના કામો તેમજ ત્યારબાદ ગટરના ઢાંકણા આડેધડ મુકવામાં આવતા હોય રોડનું લેવલ પણ જળવાતું ન હોય અને ગંભીર અકસ્માતના બનાવો સર્જાતા હોય છે. જૂનાગઢ શહેરના રસ્તા ઉપરથી પસાર થવું એટલે સહેજ ધ્યાન ચુકયા એટલે મોતને હવાલે તેવું પણ છડચોક બોલાય છે અને ત્યાં જ ઝાંઝરડા રોડ ઉપર ગટરના ઉંચા રાખી દેવાયેલા ઢાંકણાના કારણે સર્જાયેલા એક આશાસ્પદ ભાવિ ઈજનેરનો ભોગ લેવાયાના બનાવની કરૂણતા સર્જાતા તંત્રવાહકો સામે ફીટકારની લાગણી વરસી છે. આ સાથે જ મનપાના જવાબદારો સામે કડક કાર્યવાહી અને માનવ સાઅપરાધ ગુનો દાખલ કરવા પણ માંગ કરાઈ છે.
જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર ચાલતા રોડના કામમાં ગટરના ઉંચા રાખી દેવાયેલા ઢાંકણાના કારણે અકસ્માત સર્જાતા મિકેનીકલ એન્જીનિયરનો અભ્યાસ કરતા એક આશાસ્પદ યુવકનું મૃત્યું થયું છે. આ બનાવથી મૃતક યુવાનના પરિવારમાં ગમગીની સાથે તંત્ર સામે ઉગ્ર રોષ વ્યાપી ગયો છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, હિંગળાજ મંદિર સામે રહેતા અને ખાનગી કોલેજમાં મીકેનિકલ એન્જીનિયરીંગનો અભ્યાસ કરતા મોહિત દિપકભાઈ પૈડા(ઉ.વ.ર૧) ગત શુક્રવારે રાત્રે એકટીવા ઉપર પોતાના સાગાને ત્યાં વાંચવા જતો હતો ત્યારે ઝાંઝરડા રોડ ઉપર સાઈબાબાના મંદિર પાસે રસ્તાની ઉપર રહેલું ગટરનું ઉંચા ઢાકણા સાથે બાઈક અથડાતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત યુવકને ૧૦૮ મારફત ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેને બ્રેઈન સર્જરી કરવામાં આવી હતી અને સર્જરી બાદ આઈસીયુમાં રહેલા યુવકનું મૃત્યું થયું હતું. દરમ્યાન ૨૧ વર્ષિય મૃતક યુવાન મોહિત દિપકભાઇ પૈડાના ફૂઆ પ્રદિપભાઇ ભીંડીએ જણાવ્યું હતું કે, અમે હરિઓમ નગરમાં રહિએ છીએ. મારો દિકરો કોલેજમાં અભ્યાસ કરે છેે. જ્યારે મૃતક મોહિત પૈડા પણ જૂનાગઢની ખાનગી કોલેજમાં મિકેનીકલ એન્જીનિયરનો અભ્યાસ કરતો હતો. બન્ને સાથે ભણતા હતા અને પરિક્ષા નજીક હોય મોહિત વાંચવા માટે મારા ઘરે આવતો હતો. શુક્રવારની રાત્રિના ૧૨ઃ૩૦ વાગ્યે તે ઘરેથી આવતો હતો ત્યારે ઝાંઝરડા રોડ ઉપર કે.ડી. ભીંડી જવેલર્સ પાસે ગટરનું ઢાંકણું ઉચું હોય તેની સાથે બાઇક અથડાયું હતું. આ અકસ્માતમાં મોહિત ત્રણેક ફૂટ સુધી ઢસડાયો હતો જેમાં તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં તેને કે.જે.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેના કારણે સારવાર દરમ્યાન રવિવારે સવારે ૯ વાગ્યે મોહિતે અંતિમ શ્વાસ લીધા હતા. આમ, તંત્રની ઘોરબેદરકારીના કારણે અમારા પરિવારે એક આશાસ્પદ યુવાન ગૂમાવ્યો છે. દિપકભાઇ પૈડાને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. દિકરી ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે અને મોહિત કોલેજમાં અભ્યાસ કરતો હતો. આમ, મૃતક યુવાન તેમના માતા અને પિતાનો એકનો એક પુત્ર હોય માતા-પિતાએ આશાસ્પદ યુવાન- એકના એક દિકરાને ગૂમાવ્યો છે. શહેરના અનેક રોડ ઉપર ગટરના ઢાંકણાના લેવલ નથી.નવા રોડ બને છે ત્યાંતો ઠીક જ્યાં રોડ બની ગયા છે ત્યાં પણ ક્યાંક ઢાંકણા બેસી જતા ખાડા જેવું થઇ જાય છેે. ક્યાંક ઢાંકણા ઉપર હોય બમ્પ જેવું બની જાય છે. કરોડો રૂપિયાના ખર્ચે કામગીરી થાય છે તેમ છતાં પણ રોડના લેવલ કરતા ઉંચા, નીચા ઢાંકણા રહી જાય છતાં કેમ કોઇના ધ્યાને નથી આવતું ? એનો મતલબ કે કોન્ટ્રાકટર દ્વારા કરાતી કામગીરી ઉપર મનપાના ઇજનેરોનું કોઇ યોગ્ય સુપરવિઝન થતું જ નથી. વળી, જ્યાં રોડ બને છે ત્યાં ગટરના ઢાંકણા આગળ કોઇ આડશ નથી હોતી, એલર્ટ માટે લાલ રિબીન નથી હોતી કે રેડીયમ નથી હોતું. પરિણામે જીવલેણ અકસ્માત સર્જાય છે. ત્યારે હજુ કેટલાનો ભોગ લેવાય તેની તંત્ર રાહ જુએ છે ? તેવો સવાલ લોકોમાં ઉઠવા પામ્યો છે. આ અંગે મૃતક યુવાનના પિતા દિપકભાઇ પૈડાએ તંત્રને અપીલ છે કે, મારી સાથે જે બન્યું છે તેવું અન્ય કોઇના સાથે ન બને. કોઇ વ્યક્તિને જીવ ગૂમાવવો પડે તે ઘોરબેદરકારી છે. ત્યારે તંત્ર આવી બેદરકારી વ્હેલી તકે દૂર કરે તેવી માંગ કરી છે. અત્રે નોંધનીય છે કે, જૂનાગઢ મહાનગરપાલિકાના તંત્ર વાહકોની બેદરકારીના કારણે ભૂતકાળમાં પણ ઘણા અકસ્માતો સર્જાયા છે. તેમજ ગંભીર ઈજાઓ પામનારના મૃત્યું પણ થયા છે અને ઘોરબેદરકારી દાખવનાર મનપાના સત્તાધીશો સામે આમ જનતામાં ભારે રોષની લાગણીને ફરિયાદો ઉઠેલી છે. જૂનાગઢમાં વધુ એક બેદરકારીના કારણે એક આશાસ્પદ યુવાનનું મૃત્યું થવાના બનાવથી રોષનો દાવાનળ પ્રગટયો છે. એટલું જ નહી જેમ મોરબીની ઘટનામાં દોષીતો સામે કડક કાર્યવાહી કરવામાં આવી અને ગુનો દાખલ થયો છે એ જ રીતે જૂનાગઢ મ્યુનીસીપલ કોર્પોરેશનના શાસનઆધિપતિઓ તેમજ કમિશ્નર સહિતનાઓ તેમજ જવાબદારો સામે તાત્કાલીક ધોરણે માનવ સાઅપરાધ અંતર્ગત ગુનો દાખલ કરી અને કડક કાર્યવાહીની માંગણી ઉઠવા પામી છે.

error: Content is protected !!