રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી માટે જૂનાગઢ બન્યું છે યજમાન : કલેકટર અનિલકુમાર રાણાવસિયાના નેતૃત્વ અને માર્ગદર્શનમાં કરાઈ રહેલી પૂર્વ તૈયારીઓ
રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી માટે જૂનાગઢ યજમાન બન્યું છે. ત્યારે કલેકટર અનિલકુમાર રાણાવસિયાના નેતૃત્વ અને માર્ગદર્શનમાં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી માટે પૂર્વ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ રાષ્ટ્રીય પર્વ ગરીમામય માહોલમાં ઉજવાઈ તે માટે એક આદેશ દ્વારા ૨૦ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. જિલ્લાના જુદા જુદા કચેરી- વિભાગના અધિકારીઓના સમાવેશથી બનેલી આ સમિતિઓને પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે ફરજાે સોંપવામાં આવી છે. કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ એક બેઠકમાં સંબંધીત અધિકારીઓને પરસ્પર સંકલન અને ટીમવર્કથી કામ કરવા માટે જણાવ્યું હતું. તેમણે જૂનાગઢ માટે ગૌરવપ્રદ આ પ્રસંગને અનુરૂપ વ્યવસ્થાઓ કરવા માટે પણ સૂચના આપી હતી. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે ૨૦ સમિતિઓમાં મુખ્ય સંકલન કમિટી, ધ્વજ વંદન કાર્યક્રમ તથા મુખ્ય સ્ટેજ કમિટી, એટ હોમ કમિટી, પરેડ સલામતી અને પાર્કિંગ તથા ટ્રાફિક નિયમન તેમજ પાસ કમિટી, કારોબારી હિસાબ કમિટી, બેઠક વ્યવસ્થાપન કમિટી, આમંત્રણ કાર્ડ તેમજ અન્ય સાહિત્ય છાપકામ તથા વિતરણ કમિટી, મંડપ, લાઈટ, માઈક, રોશની, હેલીપેડ, સ્ટેજ કમિટી, સાંસ્કૃતિક કાર્યક્રમ કમિટી, મહેમાનો માટે રહેઠાણ વ્યવસ્થાપન કમિટી, ભોજન અલ્પાહાર વ્યવસ્થાપન કમિટી, સ્વાગત-પ્રોટોકોલ કમિટી, પુરસ્કાર વિતરણ કમિટી, આરોગ્ય મેનેજમેન્ટ અને આકસ્મિક સારવાર સમિતિ, સફાઈ મેનેજમેન્ટ કમિટી, પ્રચાર પ્રસાર અને પ્રેઝન્ટેશન કમિટી, અન્ય તમામ કાર્યક્રમ ખાતમુહૂર્ત- લોકાર્પણ સહિતનું સંકલન, વાહનોની વ્યવસ્થાપન કમિટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી અને ટેબ્લો કમિટીનો સમાવેશ થાય છે.