તાલાલા અને મેંદરડા ખાતેથી ગેરકાયદેસર સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડતું જિલ્લા વહીવટી તંત્ર

0

રૂા.૨૦ લાખથી વધુના ૬૫૬ ગેરકાયદેસર સરકારી અનાજના કટ્ટા ઝડપાયાં

ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા પુરવઠા અધિકારી અને તાલાલા મામલતદારની ટીમ દ્વારા તાલાલા-સાસણ રોડ ઉપર આવેલી ગીર સોમનાથ હોટલ ખાતેથી અને ત્યારબાદ તેના આધારે જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતેથી રૂા.૨૦.૩૬ લાખની કિંમતના ઘઉં, ચોખા અને ચણાના ૬૫૬ કટ્ટા સહિતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. આની વિગત જોઈએ તો, ગીર સોમનાથ હોટલ ખાતેથી જિલ્લાની ટીમની તપાસમાં ત્રણ છોટા હાથી અને એક રિક્ષામાંથી રૂા.૬,૦૯,૩૧૦ની કિંમતના ૧૯ કટ્ટા ઘઉં, પ૫ કટ્ટા ચોખા અને ૨ કટ્ટા ચણાના ઝડપી પાડી આ મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલ જૂનાગઢ તાલુકાના મેંદરડા તાલુકાના એસ.કે. નામથી ઓળખાતા પ્રતિકભાઇ હિરપરા, દીપકભાઈ સોલંકી તેમજ ઝાકીરભાઈનો હોવાનું પકડેલ સાધનોના ચાલકોએ જણાવ્યું હતું. જેના આધારે ગીર સોમનાથ જિલ્લાની ટીમ દ્વારા મેંદરડા મામલતદારની ટીમને સાથે રાખી પ્રતિકભાઇ હિરપરાની દુકાન ખાતેથી ૨૫૩ કટ્ટા ઘઉં, ૬૦ કટ્ટા ચોખા અને ૨ કટ્ટા ચણા સહિતનો રૂા.૩,૪૪,૪૩૪ની કિંમતનો મુદ્દામાલ પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. તે સાથે દીપકભાઈની દુકાન નંબર-૨ ઉપરથી સ્વરાજ મઝદા સાથે ૫ર કટ્ટા ઘઉં, ૬૪ કટ્ટા ચોખા, ૨ કટ્ટા ચણાદાળ ઝડપી પાડવામાં આવી હતી. જેની કિંમત રૂા.૭,૯૭,૫૬૦ થાય છે. આ ઉપરાંત, મેંદરડા ખાતે સામા કાંઠા વિસ્તારમાં આવેલ ઝાકીરભાઇ પરમારના ગોડાઉનમાં તપાસ કરતા ૫૫ કટ્ટા ઘઉં, ૧૫૦ કટ્ટા ચોખા અને ૨ કટ્ટા ચણા સહિતનો રૂા.૨,૮૪,૭૦૦નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!