સોમનાથ ટ્રસ્ટના નિર્ણય સામે યોજાયું પ્રભાસ-પાટણ સોમપુરા બ્રાહ્મણ સમાજનું આંદોલન

0

સાંજે છ વાગ્યે પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશનમાં થયું સુખદ સમાધાન : સવારના આઠ વાગ્યે આંદોલન શરૂ થતા જ પ્રભાસ-પાટણ પોલીસે ૧૦પથી વધુ ભુદેવો અને ભુદેવ મહિલાઓની કરી અટકાયત : દિવસભર પોલીસ સ્ટેશનમાં ભુદેવ ભાઈ-બહેનોએ પવિત્ર મંત્રોચ્ચાર, શ્લોકો, રામધૂન, ઓમ નમઃ શિવાયની ધૂન બોલાવી દિવ્ય વાતાવરણમાં આંદોલન ચાલું રાખેલ

સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટ પ્રતિમાસ ગણેશ ચોથે વિશેષ પૂજન કાર્યક્રમ રાખેલ છે. જેમાં પ્રભાસની બહારની રાજયની સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ સામેલ કરાય છે. જેને કારણે પ્રભાસ-પાટણ સોમપુરા બ્રાહ્મણ સમાજના અસ્તિત્વ અને મુળભુત હક્ક જે શાસ્ત્રોથી બક્ષાયેલ છે તેને હાની પહોંચે છે. જેના અનુસંધાને આ અગાઉ આંદોલન કરેલ છતાં કંઈ પરિણામ મળેલ ન હતું. જેથી તા.ર૪-૭-ર૪ના રોજ સવારે લક્ષ્મીનારાયણ મંદિર ચોક સોમનાથ મંદિર સામે ખાસ મંડપ બાંધી સોમપુરા બ્રાહ્મણ સમાજના પ૦૦થી વધુ ભાઈઓ-બહેનો આમરણાંત ઉપવાસ ઉપર ઉતરી ગયેલ જે હકિકતની જાણ પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશનને થતા તેમણે ૧૦પથી વધુ વ્યકિતઓની અટક કરી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ હતા. જયાં તમામ ભુદેવોએ પવિત્ર મંત્રોચ્ચાર, શ્લોકો, રામધૂન, ઓમ નમઃ શિવાયની ધૂન અને શિવભજનો તથા સુત્રોચ્ચાર કરેલ હતા. બનાવની ખબર પડતા જ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા, કોંગ્રેસ અગ્રણી હિરા જાેટવા, ભાજપ અગ્રણી ઝવેરી ઠકરાર, દિલીપ બારડ, જૂનાગઢ-વેરાવળ બ્રહ્મ સમાજ અગ્રણીઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને સાથ સહકારની ખાત્રી સાથે સમર્થન આપ્યું હતું. સાંજે છ વાગ્યે પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશનમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એલસીબી પોલીસ ઈન્સ. એ.બી. જાડેજા, પ્રભાસ-પાટણ ઈન્સ. એમ.વી. પટેલની ઉપસ્થિતિ સાથે ખાસ મિટીંગ યોજાઈ હતી. જેમાં ટ્રસ્ટ તફરથી લેખિત ખાત્રી આપવામાં આવી કે, બહારના બ્રાહ્મણોને હવે ગણપતિ યજ્ઞમાં બોલાવાશે નહી અને આ નિર્ણય સ્થગિત આજથી કરાશે. અન્ય માંગણીઓ અંગે ટ્રસ્ટની બેઠક જયારે મળશે ત્યારે તેમાં તે રજુ કરી નિર્ણય અપાશે. આ આંદોલનથી પોલીસ સ્ટેશન ભરચક્ક થયેલ અને પોલીસ સ્ટેશન પણ અટકાયત સંખ્યા વધતા સાંકડું બનેલ અને એક મહિલા બેભાન થઈ જતા તેને ૧૦૮ મારફત દવાખાને ખસેડવામાં આવેલ. સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટે સૌનો તથા પોલીસ તંત્રનો આભાર માનેલ અને સૌને પારણા કરાવી અમારણાંત ઉપવાસ પૂર્ણ કરાવેલ હતું.

error: Content is protected !!