દર્શનાથીઓથી છલકાયું દ્વારકાધીશ જગત મંદિર : આજે સૌ પ્રથમ ગોમતી નદીના કાઠે હોળી પ્રાગટ્ય થશે : ત્યાથી અગ્નિદેવ લઈ જઈ અન્યત્ર પ્રગટાવાશે હોળી : જગત મંદિર પરિસરમાં ડીજેના તાલે દ્વારકાધીશજીના ભજનો સાથે હજારો ભાવિકો રાસ રમ્યા
યાત્રાધામ દ્વારકામાં હોળી-ધૂળેટી પર્વની ઉજવણીનું અનેરૂ મહાત્મ્ય છે. આજે તા.૧૩ના પરંપરાગત રીતે હોળી પ્રાગટ્ય થશે. ગોમતી ઘાટ પાસે સાંજે સૌ પ્રથમ હોલિકા પ્રાગટ્ય થશે. ત્યારબાદ ત્યાંથી અગ્નિદેવને લઈ જઈ તેના થકી અન્ય સ્થળોએ હોલિકા પ્રાગટય થશે. ફાગણી પુનમના દિવસે પવિત્ર ગોમતી નદીમાં સ્નાનનું કરવાનું વિશેષ મહત્વ હોવાથી હજારો ભાવિકો ગોમતી સ્નાનનો લાભ લેશે. જયારે તા. ૧૪ ના શુક્રવારે દ્વારકાધીશજી મંદિરે ભાવભેર ફુલડોલ ઉત્સવ ઉજવાશે શ્રીજી સંગે રંગે રંગાવા તથા ફુલડોલ ઉત્સવ ઉજવવા ભાવિકો, પદયાત્રીઓનો પ્રવાહ દ્વારકામાં અવિરત રીતે આવી રહ્યો છે. હાલ જગત મંદિરમાં દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી રહી છે. ફાગણ સુદ પુનમના ગોમતી નદીમાં સ્નાન કર્યા બાદ જ શ્રીજીના દર્શનનો વિશેષ મહિમા હોઇ હજારો ભાવિકો ગોમતી નદીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધશે. દ્વારકામાં પ્રથમ ગોમતી ઘાટ ખાતે સાંજે હોલીકા પ્રાગટય થશે. ત્યારબાદ ત્યાંથી અગ્નિદેવને લઇ જઈ તેના થકી મંદિર ચોક હોળી ચોક માર્કેટ ચોક તથા અન્ય સ્થળોએ હોલીકાનું પ્રાગટય થશે. દ્વારકામાં ફુલડોલ ઉત્સવ ઉજવવાનું અનેરું મહાત્મ્ય હોઈ હાલ મોટી સંખ્યામાં ભાવિકો દ્વારકા પહોચ્વા આવી રહ્યા છે. સંખ્યાબંધ ભાવિકોએ ગોમતી સ્નાન કર્યુ હતું. જગત મંદિર પરિસરમાં ડીજેના તાલે દ્વારકાધીશજીના ભજનો સાથે હજારો ભાવિકો રાસ રમ્યા હતા.