ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભા ગુરુવારે મ્યુ. પ્રમુખ રચનાબેન મોહિતભાઈ મોટાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં એજન્ડા મુજબના કુલ ૨૭ તથા અધ્યક્ષ સ્થાનેથી ૩ મળી કુલ ૩૦ ઠરાવ રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ જનરલ બોર્ડમાં નગરપાલિકાના એકાઉન્ટન્ટ ધવલભાઈ ગોસ્વામી દ્વારા નગરપાલિકાનું વર્ષ ૨૮૨૫- ૨૬નું બજેટ રજુ કરવામાં આવેલ હતું. આ બજેટમાં વર્ષ ૨૦૨૪-૨૫ ની શરૂઆતની ઉઘડતી સિલક રૂા. ૨૨,૪૨,૭૩,૭૪૯ તથા વર્ષ ૨૦૨૫-૨૬ ની અંદાજીત ઉપજ રૂા. ૭૭,૦૦,૬૪,૫૦૦ મળી કુલ રૂ. ૯૯,૪૩,૩૮,૨૪૯ ની આવકની સામે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન થનારા અંદાજીત ખર્ચ રૂા. ૭૯,૮૬,૭૦,૦૦૦ બાદ કરતાં વર્ષના અંતે રૂા. ૧૯,૫૬,૬૮,૨૪૯ ની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના સદસ્યો ઉપરાંત ઈ.ચા. ચીફ ઓફિસર ચેતન ડુડિયા, વોટર વર્ક્સ વર્કસ ઈજનેર એન.આર. નંદાણીયા, વેરા શાખાના કિશોરસિહ સોઢા, જીગ્નેશભાઈ મકવાણા સાથે શહેર ભા.જ.૫. પ્રમુખ મિલનભાઈ કિરતસાતા, જિલ્લા ભા.જ.૫. મહામંત્રી રસિકભાઈ નકુમ, શહેર મહામંત્રી પિયુષભાઈ કણઝારીયા, ગીતાબા જાડેજા તથા નિમિષાબેન નકુમ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગનું સંચાલન દેવેન્દ્રભાઈ વારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.