૨૨ વીજ જોડાણો દૂર કરાયા: ૧૪ લાખના દંડ ફટકારાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વો પર તવાઈ કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને બુટલેગરો તેમજ વિવિધ પ્રકારે ન્યુસન્સ ફેલાવતા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે. આ પોલીસ કાર્યવાહીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સ્થાનિક પી.આઈ. પી.એ. રાણા અને બી.જે. સરવૈયા તેમજ પોલીસ અને પીજીવીસીએલની ટીમ દ્વારા અસામાજિક તત્વો સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં કુખ્યાત આરોપીઓ એજાજ રજાક સંઘાર, રિઝવાન રજાક, અકબર રજાક સંઘાર, શબ્બીર ઉર્ફે ભૂરો ગુલામહુસેન સુંભણીયા અને અબ્દુલ કરીમ સલીમ ભગાડના રહેણાંક મકાનમાં ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી હતી. સલાયા મરીન વિસ્તારમાં કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીમાં ચાર વીજ જોડાણો રદ કરી, ગેરકાયદેસર વીજ કનેક્શન સંદર્ભ રૂ. ૩,૨૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત વાહન ડિટેઈન સહિતની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ખંભાળિયા તાલુકાના વાડીનાર વિસ્તારમાં પી.એસ.આઈ. વી.આર. શુક્લ તેમજ પોલીસ સ્ટાફ અને પીજીવીસીએલના સ્ટાફની બનાવવામાં આવેલી ટીમ સાથે જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં સાત આસામીઓ દ્વારા ગેરકાયદેસર રીતે વિજ જોડાણ મેળવીને ચોરી કરવામાં આવતી હોવાથી આ જોડાણો દૂર કરવામાં આવ્યા હતા અને તેઓને રૂપિયા ૩ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ જ રીતે ઓખા મરીન પોલીસ વિસ્તારમાં પી.એસ.આઈ. આર.આર. ઝરૂ તેમજ પીજીવીસીએલ સહિતની ટીમો દ્વારા કરવામાં આવેલી ચેકિંગ કાર્યવાહીમાં છ ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કરી અને અંદાજિત રૂપિયા પાંચ લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત દારૂ, વાહન ચેકિંગ, હથિયાર સહિતની પણ કાર્યવાહી કરવામાં આવતા અસામાજિક તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી હતી. કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડ તેમજ ટીમ દ્વારા પીજીવીસીએલ સ્ટાફને સાથે રાખીને અસામાજિક તત્વો સામે સમયાંતરે કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ પાંચ સ્થળોએ વીજ જોડાણ દૂર કરી રૂપિયા ૨.૭૫ લાખનો દંડ ફટકારવા ઉપરાંત વાહન ચેકિંગ કાર્યવાહીમાં પણ વિવિધ પ્રકારના ગુનાઓ નોંધવામાં આવ્યા હતા.