યુવાનની ધર્મની બહેનનું પણ નામ ખૂલ્યું: બંનેની અટકાયત
ખંભાળિયામાં રહેતા એક યુવાને પોતાની પર્સનલ કારમાં સક્ષમ અધિકારીના હોદા સાથેના બોર્ડ ઉપરાંત લાલ લાઈટ ફિટ કરાવીને સીન સપાટા કરતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં આ યુવાનની રાજકોટ ખાતે રહેતી ધર્મની માનેલી બહેનનું પણ નામ જાહેર થયું છે. પોલીસે આ બંનેની અટકાયત કરી લીધી છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં રામનાથ સોસાયટી વિસ્તારમાં આવેલા ગરબી ચોક ખાતે રહેતા જીલ ભરતભાઈ પંચમતીયા નામના ૨૫ વર્ષના શખ્સ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી કલેકટર કક્ષાના અધિકારીના હોદ્દા સાથેના બોર્ડવાળી તેની માલિકીની કારમાં ઉપર લાલ લાઈટ લગાવીને ફરતો હતો. કોઈપણ સરકારી હોદ્દો ન ધરાવતા આરોપી જીલ પંચમતીયા (ઉ.વ. ૨૫) દ્વારા તેની ટેક્સી પાસિંગની મારૂતિ સુઝુકી સેલેરિયો કાર નંબર જી.જે. ૦૩ કેપી ૯૧૧૩ માં આગળની તરફ લગાવવામાં આવેલા બોર્ડમાં એડિશનલ કલેકટર એન્ડ એડિશનલ ડીસ્ટ્રીક મેજિસ્ટ્રેટ ડીસ્ટ્રીક મેજિસ્ટ્રેટ (એડીએમ) (પ્રોબેશન) ની પ્લેટ લગાવવામાં આવી હતી. આ ઉપરાંત પાછળની બાજુ લાલ કલરની રેડિયમ સ્ટીકર સાથેની પ્લેટમાં આર.એસ.સી એન્ડ એ.ડી.એમ. (પ્રોબેશન) લખેલું હોવાનું જાહેર થયું છે. આટલું જ નહીં, આ મોટરકારમાં ઉપરની બાજુ પોલીસની સરકારી ગાડીમાં જે પ્રકારે લાઈટ હોય તે પ્રકારની લાઈટ પણ લગાવવામાં આવી હતી. આ પ્રકરણમાં આરોપી જીલ પંચમતીયા સાથે તેની ધર્મની બહેન કેસાબેન કેતનભાઈ દેસાઈ (ઉ.વ. ૨૬, સ્પીપા ક્ષેત્રીય તાલીમ, યુનિવસિર્ટી રોડ – રાજકોટ, મૂળ રહે. વિસાવદર, જી. જુનાગઢ)નું પણ નામ ખુલવા પામ્યું છે. આ બંને દ્વારા છેલ્લા આશરે પચીસેક દિવસથી લાલ લાઈટ અને અધિકારીના હોદા ધરાવતી ઉપરોક્ત મોટરકારનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણમાં ખંભાળિયા પોલીસ મથકના સર્વેલેન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ જમોડની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે જીલ ભરતભાઈ પંચમતીયા અને તેની ધર્મની બહેન કેશાબેન કેતનભાઈ દેસાઈ સામે બી.એન.એસ.ની કલમ ૨૦૪, ૨૦૫ તથા ૫૪ મુજબ ગુનો નોંધી બંનેની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. એમ.આર. બારડ દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે પોસ એરિયામાં સક્ષમ અધિકારીના હોદ્દાની પ્લેટ તેમજ લાલ લાઈટ ધરાવતી કાર સાથે ફરતા ઉપરોક્ત શખ્સનું પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બની રહ્યું છે. આ સમગ્ર કાર્યવાહી ખંભાળિયાના ડીવાયએસપી ડો. હાદિર્ક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અહીં પી.આઈ. સી.એલ. દેસાઈ તેમજ પી.એસ.આઈ. વી.એમ. સોલંકી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.