ત્રણેક હજાર ભાવિકોએ ફરાળી વાનગીઓના સમૂહ પ્રસાદનો આનંદ માણ્યો
જૂનાગઢના ઝાંઝડા રોડ સ્થિત જલારામ મંદિરમાં ભવ્યાંતિભવ્ય રીતે વહેલી સવારથી લઈને મોડી રાત્રિ સુધીના ભાતિગળ આયોજન સાથે કરવામાં આવી હતી. સવારના સાત વાગ્યે મંગલા આરતી અર્ચન-પુજન વગેરે થયા ત્યારબાદ જગદિશભાઈ રૂપારેલીયા પરિવારે ધ્વજા રોહણ કર્યુ, મનુભાઈ ચાકસી ગૃપના સથવારે સુંદરકાંડના પાઠનું આયોજન હતું. મંદિરમાં અસાધારણ ભકતજનોની ભીડ જાેઈને સુદરકાંડ મંડળના સભ્યો એવા તો પ્રોત્સાહિત થયા કે એકધારા બાર વગ્યા સુધી સત્સંગ હોલને રામનામથી ગુંજતો રાખ્યો. લોહાણા યુવા સંગઠન દ્વારા લોહાણા મહાજનવાડીથી ભકિતધામ સુધીની વિશાળ બાઈક રેલી યોજાઈ હતી. જૂનાગઢ લોહાણા મહાજનના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂના નેતૃત્વમાં છ કિમી આ રેલીમાં ૧૦૦ કરતાં વધુ સ્કુટર ચાલકો ડ્રેસ કોડમાં રામનામના ગગનભેદી અવાજ સાથે મંદિરે પહોંચ્યા ત્યારે મંદિરના ટ્રસ્ટીઓ તેનું સામૈયુ કરી સન્માન કર્યુ હતું. બાર વાગ્યે રામલ્લાના દર્શન ખુલ્લા મુકાયા ત્યારે દર્શનાર્થીગણ હિલોળે ચડયો. બહેનોએ રાસની રમઝટ બોલાવીને આનંદ ઉત્સવ મનાવ્યો હતો. લગભગ ત્રણેક હજાર લોકોએ શિખંડ-પુરી અને ફરાળી વાનગીઓ સાથે સમૂહ પ્રસાદનો આનંદ માણ્યો હતો. મહિલા મંડળની બહેનોનું એક ગૃપ બારથી બે વાગ્યા સુધી પુરી વણતંુ રહ્યું તો બીજુ ગૃપ બટેટાની છાલો કાઢી તેને સુધારતું રહ્યું હતું. બહેનોના આવા સતત શ્રમભર્યા સહકાર બદલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પ્રો. પી.બી.ઉનડકટે ખુબ જ ભાવુક થઈ, લાગણીભર્યા શબ્દોમાં આ દિકરીઓનો આભાર માન્યો હતો. બાકીની તમામ કામગીરી અને જવાબદારી ગિરનારી ગૃપના સેવાભાવી સેવકોએ ઉઠાવી હતી. સાંજના દૈદિપ્યમાન સંધ્યા આરતી અને મોડી રાત્રિ સુધી રામધૂન અને રામ જયઘોષથી મંદિર ગુઝતું રહ્યું હતું. આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, કોંગ્રેસ મહિલા શહેર પ્રમુખ હેમાબેન રૂપારેલીયા, ટ્રસ્ટીઓ પૈકી ગિરિશભાઈ કોટેચા, પ્રવિણભાઈ પોપટ, મૂકેશભાઈ કારીયા, ગિરિશભાઈ આડતિયા,યતિનભાઈ કારીયા, વિપુલભાઈ ભોજાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.