સોરઠમાં હાડ ધ્રુજાવતી કાતિલ ઠંડી, ગીરનારમાં ૪.પ ડિગ્રી તાપમાન

0

સોરઠમાં નવા વર્ષનાં પ્રારંભે પણ હાડ ધ્રુજાવતી કાતિલ ઠંડીનું મોજુ યથાવત રહયુ છે. ઠંડા પવનો અને ઠારથી જનજીવન ખોરવાયું છે. ગીરનાર ઉપર ૪.પ ડીગ્રી અને જુનાગઢ ૯.પ ડીગ્રી ઠંડીને લઇ ઠીંગરાય ગયુ છે. સોમવારથી કાતિલ ઠંડીએ બોકાસો બોલાવ્યો છે જેના પરિણામે જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે અને હજુ તીવ્ર ઠંડી જારી રહેવાની શકયતા છે. આજે તો વહેલી સવારથી ધુમ્મસનું આક્રમણ થતાં તીવ્ર ઠંડીની સાથે વાતાવરણ વધુ બર્ફીલુ બની ગયું હતું.
ધુમ્મસનાં કારણે વાહન વ્યવહારને અસર થઇ હતી અને લોકો વધુ ઠીંગરાયા હતાં. ગીરનાર ઉપર આજે પણ શિયાળાની સૌથી વધુ ૪.પ ડીગ્રી ઠંડી રહી હતી અને તેમાંય આજે ગીરનાર પર્વત વિસ્તારમાં ઠંડા પવનને લઈ ર૦ર૦ વર્ષને આવકારવા આવેલા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૬ કિ. મી. રહી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળાએ અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધુ છે અને કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાઇ રહ્યા છે. અને લઘુતમ તાપમાનનો પારો સતત નીચે ઉતરતા જાય છે. ઠંડીના કારણે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે રસ્તાઓ સુમસામ થઇ જાય છે અને લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્રો અને તાપણાનો સહારો લઇ રહ્યા છે. આજે સૌથી વધુ ઠંડક ગીરનાર પર્વત ઉપર ૪.પ ડીગ્રી, ભુજ ૭.૦, નલીયા ૭.૮ અમરેલી ૮.૬, રાજકોટ ૮.૭ ડીગ્રી ઠંડી પડી છે. આજે વહેલી સવારે ભેજનું પ્રમાણ વધતા ઝાકળવર્ષાનો અનુભવ થયો હતો. અનેક જગ્યાએ ૭૦ ટકા ઉપર ભેજનું પ્રમાણ રહ્યુ હતું. ગઇકાલે વર્ષ ર૦૧૯ નો છેલ્લો દિવસ ટાઢોબોળ બની રહ્યો હતો. સૌરાષ્ટ્ર – કચ્છના સાત શહેરોનું ઉષ્ણતામાન સિંગલ ડીજીટમાં જઇ પહોંચ્યું હતું અને કડકડતી ટાઢની જનજીવન ઉપર અસર વર્તાઇ હતી.

error: Content is protected !!