ક્લિન સીટીનાં સર્વેમાં જૂનાગઢ ૯૯માં ક્રમે

0

નવાં વર્ષનો પ્રારંભ થતાંની સાથે જ જૂનાગઢ શહેર માટે વિકાસની નવી ક્ષિતીજા ખુલ્લી રહી છે અને એક પછી એક કાર્ય સફળતા પણ પ્રાપ્ત થઈ રહી છે અને સૌથી મોટા આનંદદાયક સમાચાર જૂનાગઢની જનતા માટે હોય તો તે સમાચાર એ છે કે દેશનાં સ્વચ્છતાનાં સર્વેક્ષણમાં આપણું આ શહેર જૂનાગઢ ૧પ૪માંથી હાઈજમ્પ મારી અને ૯૯નાં ક્રમાંકે આવી ગયું છે. આ પ્રાયમરી રેન્ક છે અને આગામી ફ્રેબુઆરી માસમાં ફાઈનલ સર્વેક્ષણમાં પણ જૂનાગઢ શહેર ઉંચી રેન્કમાં આવી જશે તેવો વિશ્વાસ જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરાએ વ્યકત કર્યો હતો.
દેશભરમાં હાલ સ્વચ્છતા અંગેનું સર્વેક્ષણ ચાલી રહ્યું છે ત્યારે જૂનાગઢ શહેર સ્માર્ટ સિટી, મોડેલ સિટી, ટુરીઝમ સીટી તેમજ સ્વચ્છતાનાં ક્ષેત્રમાં પણ આગે કદમ રહે તેવાં ભરપુર પ્રયાસોનાં ભાગરૂપે મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા એક ટાર્ગેટ હાથ ધરવામાં આવેલ છે અને ર૦ર૦નાં આ વર્ષમાં સફળતાનાં અભિયાનને વેગવતું બનાવવામાં આવી રહ્યું હોવાનું મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરા તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજથી જૂનાગઢ શહેરનાં વોર્ડ નં.૯માં કમિશ્નર તુષાર સુમેરા, મેયર ધીરૂભાઈ ગોહેલ, ડે.મેયર હિમાશું પંડ્યા, સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન રાકેશ ધુલેશીયા, શાસક પક્ષનાં નેતા નટુભાઈ પટોળીયા, દંડક ધરમણભાઈ ડાંગર અને પદાધિકારીઓની ટીમ આજે નિરીક્ષણ માટે પહોંચી છે અને જરૂરી સુચનો તેમજ માર્ગદર્શન પુરૂં પાડવામાં આવશે. દરમ્યાન મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે જૂનાગઢ શહેર સ્વચ્છતાનાં ક્ષેત્રે દેશભરનાં શહેરોનાં ક્રમાંકમાં ૧પ૪ નંબર ઉપર હતું તેમાં સુધારો થયો છે.
માર્ચ-એપ્રિલથી સતત સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ તેમજ સ્વચ્છતા અભિયાન ચલાવી અને આખરે આ ક્રમાંક ઘટાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે અને જૂનાગઢ શહેરને દેશભરનાં સર્વેક્ષણમાં પ્રાથમિક રેન્ક ૯૯ ઉપર પહોંચ્યું છે અને ર૦ર૦નું શરૂ થયેલું આ નવાં વર્ષ દરમ્યાન મનપા તંત્ર, મેયર ધીરૂભાઈ ગોહેલ અને શાસકપક્ષની ટીમ તેમજ મનપાનાં પદાધિકારીઓ, કર્મચારીઓનાં સથવારે એક લક્ષ્યાંક બનાવવામાં આવેલ છે.
સ્વચ્છતા અભિયાનમાં અવ્વલ નંબરે રહેવું, શુધ્ધ ફિલ્ટર કરેલું પાણી તેમજ પાણીની સમસ્યાને દેશવટ્ટો આપવો તેમજ ઘરે-ઘરે પાણી વિતરણ થાય તે બાબતની કાર્યવાહીની પૂર્ણ કક્ષાએ સફળતા પ્રાપ્ત કરવી તેમજ ભીના કચરામાંથી ગેસ બનાવવાની પ્રક્રિયાનો પણ પ્રારંભ કરવામાં આવેલ છે. એજન્સી પણ નક્કી કરવામાં આવી છે અને આ ગેસ ઉત્પન્ન થતાંની સાથે જ જૂનાગઢ શહેરનાં ૮૦૦થી ૧૦૦૦ ઘરોને પાઈપ લાઈન મારફત ગેસ પુરો પાડવાની યોજના છે. તેમજ સૌપ્રથમ જૂનાગઢ ખાતે આગામી ફ્રેબુઆરી માસમાં સ્વચ્છતા અંગેની મેરેથોન દોડનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું. આમ બધું જ જા સમુસુતરૂં પાર ઉતરે તો નવું વર્ષ સુખદાયી બની રહેવાની ધારણાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્‌વેન્ટી-ટ્‌વેન્ટી (ર૦ર૦)નો પ્રારંભ થઈ ચુકયો છે. નવું વર્ષ સાચા અર્થમાં ટ્‌વેન્ટી-ટ્‌વેન્ટી જ અને સદાબહાર જૂનાગઢ માટે બની રહે તેવાં નિર્દેશો પ્રાપ્ત થઈ રહ્યાં છે. જૂનાગઢ શહેર અને સોરઠ પંથકની જીવાદોરી સમાન રોપ-વે યોજના આગામી દિવસોમાં કાર્યરત થતાંની સાથે જ સોરઠ પંથકમાં વિકાસની પ્રક્રિયાને વેગ મળશે. તેમજ વર્ષ દરમ્યાન હોટલ બિઝનેશ, રેસ્ટોરન્ટો તથા અન્ય સ્ત્રોતોને પણ આવક પ્રાપ્ત થશે અને રોપવે બન્યાં બાદ જૂનાગઢની આવક રૂ.૧૦૦ કરોડને આંબી જવાની ધારણાં છે આ રોપ-વે શરૂ થાય તેની સાથે જ રોજનાં દસ હજાર નવા પ્રવાસી જૂનાગઢની મુલાકાતે આવશે તેવો નિરીક્ષકોનો સર્વે છે. ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાજીનાં દર્શનનો લાભ મળશે આ ઉપરાંત ગુરૂ દત્તાત્રેય ગુરૂ શિખર, બૌધ્ધ ગુફાઓ તેમજ ગિરનારનાં ધાર્મિક સ્થળો અને પુજય દાતારબાપુની જગ્યા તથા ઉપરકોટનાં વિવિધ સ્થળો, સક્કરબાગ ઝુ, ભવનાથ ક્ષેત્ર, કલાત્મક મહોબત મકબરા તેમજ જૂનાગઢ અને સોરઠ પંથકમાં આવતાં વિવિધ ધાર્મિક, ઐતિહાસીક અને પ્રવાસન સ્થળોની મુલાકાતે પણ અહીં આવનાર પ્રવાસી જતાં હોય છે. તેમજ ગિર-સોમનાથમાં આવેલાં સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર આ ઉપરાંત સત્તાધાર, પરબધામ, મજેવડી, તોરણીયા, બિલખા શેઠ શગાળશા-ચેલૈયાનાં ધામ તેમજ અનેક સ્થળોની મુલાકાત લેતાં હોય છે અને આમ રોપ-વે યોજના શરૂ થતાંની સાથે જ પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે અને જેનો લાભ આ દરેક સ્થળોને પ્રાપ્ત થશે અને ત્યાં પણ ભારે સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે. જૂનાગઢ શહેર અને સોરઠ પંથકમાં પ્રવાસી જનતાની સવારી આવી રહી હોય ત્યારે જુદાં-જુદાં, ધંધા-રોજગારને પણ આવકનો નવો સ્ત્રોતો મળી રહેવાનો છે. આમ ર૦ર૦નું નવું વર્ષ ધાર્મિક, ઐતિહાસીક, આર્થિક રોજગારી સહિતની દૃષ્ટિએ પણ મહત્વનું સાબિત થનારૂં છે.

error: Content is protected !!