લોકોની આસ્થાનાં કેન્દ્ર એવાં ગરવા ગિરનારની ટોચ ઉપર બિરાજમાન અંબાજી માતાજીનાં દર્શનનો લાભ થોડાક જ સમયમાં અબાલ, વૃધ્ધ અને હરકોઈ લઈ શકે તેવી યોજના એટલે કે જૂનાગઢ અને સોરઠ પંથકની જીવાદોરી સમાન રોપ-વે યોજના છે. આ યોજનાની કામગીરી જોર-શોરથી હાલ ચાલી રહી છે અને ટાવર લગાવવાની કામગીરી પણ સારી રીતે ચાલી રહી છે. કોઈ જાતની અડચણ ન આવે તો નિર્ધારીત સમય મર્યાદામાં રોપ-વેની કામગીરી પૂર્ણ કરી શકીશું તેવો વિશ્વાસ રોપ-વે યોજનાની કામગીરી કરનારા ઉષા બ્રેકો કંપનીના પ્રોજેકટ હેડ દિનેશસિંઘ નેગીએ એક વાતચીતમાં જણાવ્યું હતું.
ઘણાં વર્ષોથી ગિરનાર ઉપર રોપ-વે થવો જાઈએ તેવી બુંલદ માંગણી દરેક સોરઠવાસીનાં હૈયામાં હતી. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં ભરી સભામાં રોપ-વે યોજનાને મુર્તિમંત સાકાર સ્વરૂપ આપવાની ઘોષણા કરી હતી. જા કે તેઓએ આપેલી સમય મર્યાદા વિતી ગઈ છે પરંતુ હાલ રોપ-વે માટેની કામગીરી જોર-શોરથી ચાલી રહી છે. તે જૂનાગઢ અને સોરઠ વાસીઓ માટે આવકારદાયક બાબત છે. રોપ-વે યોજના પૂર્ણ રીતે કાર્યરત થતાંની સાથે જ યાત્રીકો-ભાવિકોની સંખ્યામાં ભરપુર વધારો થવાનો છે. શિવરાત્રીનો મેળો, પરિક્રમાનો મેળો, પૂ.દાતારબાપુનાં ઉર્ષ સહિતનાં વિવિધ યોજાતાં ધાર્મિક કાર્યક્રમોમાં દરેક સમાજનાં ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડતાં હોય છે. શિવરાત્રી અને પરિક્રમાનાં મેળામાં તો ૧૦ લાખ ઉપરાંતની જનમેદની ઉમટી પડે છે અને રોપ-વે કાર્યવંત થતાં આ સંખ્યામાં ધરખમ વધારો થવાનો છે.
રોપ-વે યોજના શરૂ થતાંનાં તબક્કા પહેલાં જ ગિરનાર અંબાજી માતાજીનાં મંદિરે ભાવિકોને ખાસ કરીને અબાલ-વૃધ્ધ કે જેઓ ૯૯૯૯ પગથિયાં ચડીને દર્શનાર્થે જઈ શકતાં ન હોય તેવાં તમામ ભાવિકોને છેલ્લાં ઘણાં વર્ષોથી ડોળીવાળા ભાઈઓ દ્વારા આ પરમાર્થની કામગીરી કરવામાં આવી રહી છે અને સાથે જ તેઓ દ્વારા રોજગારી મેળવવામાં આવતી હતી. દરમ્યાન રોપ-વે યોજના શરૂ થતાં ડોળીવાળા ભાઈઓની રોજગારીને અસર પહોંચી રહી છે. ત્યારે જે-તે વખતે સરકારે ડોળીવાળા ભાઈઓને રોજગારી આપવાની વૈકલ્પિક વ્યવસ્થા આપવાની વાત જારી કરી છે ત્યારે આ અંગે કઈ રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે તે અંગે સ્પષ્ટતા કરવાની લાગણી અને માંગણી ડોળીવાળા ભાઈઓમાં પ્રવર્તી રહી છે. દરમ્યાન ગિરનાર રોપ-વે યોજનાની હાલ કામગીરી પુરજોશથી ચાલી રહી છે. અંબાજી મંદિર નજીક બિલ્ડીંગનાં બાંધકામની કામગીરી તેમજ ટાવર લગાવવાની કામગીરી પણ ચાલી રહી છે અને જેમ બને તેમ વહેલીતકે એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેકટ પૂર્ણ કરવાનાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં હોવાનું દિનેશસિંઘ નેગીએ જણાવ્યું હતું.