જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં આજે સામાન્ય ઘટાડો નોંધાયો છે અને લઘુતમ તાપમાનનો પારો ઉંચે આવતા લોકોને ઠંડીમાં રાહત મળી છે. આજે ગિરનાર પર્વત ઉપર ૬.૬ ડિગ્રી, રાજકોટ ૯.૦, નલીયા ૯.૧, જામનગર ૧૦ ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાયુ છે. જૂનાગઢમાં ધુમ્મસ અને ઠારના આક્રમણ વચ્ચે ગિરનાર ઉપર ૬.૬ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી જ્યારે જૂનાગઢમાં ૧૧.૬ ડિગ્રી તાપમાન રહ્યુ છે. આજે સવારથી વાતાવરણમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાય ગયું હતું. જેની સાથે વાદળા પણ થઈ જતા વાતાવરણ ધુંધળુ રહ્યુ હતું. દરમ્યાનમાં આજે જૂનાગઢમાં બે ડિગ્રી ઠંડી ઘટીને તાપમાન ૧૧.૬ ડિગ્રી નોંધાયું છે. ઠંડી ઘટવા છતાં પણ ગાઢ ધુમ્મસને લઈ ઠંડીની આક્રમતા યથાવત રહી હતી. ગિરનારનું તાપમાન ૬.૬ ડિગ્રી રહ્યુ છે. આમ એકંદરે ઠંડીમાં ઘટાડો થતાં પ્રવાસીઓએ રાહત અનુભવી હતી. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા અને પવનની ઝડપ ૪.૩ કિ.મી.ની રહી હતી.