ગુજરાતમાં ગીધની સંખ્યા માત્ર ૭૦૦ હોવાનું અનુમાન, દેશમાં ગીધની સંખ્યામાં ઘટાડો થયાનો ચોંકાવનારો અહેવાલ

અમદાવાદ, તા.૨૧
કુદરતના સફાઇ કામદાર ગણાતા ગીધ પક્ષીની ગણતરી દર બે વર્ષે કરવામાં આવતી હોય છે. આ પક્ષીઓની સંખ્યા સતત કેમ ઘટતી જાય છે તે મોટો સવાલ છે. આપણે જ આપણાં સફાઇ કામદાર એવાં ગીધ પક્ષીને મારી નાંખ્યા છે. ગીધની વસ્તી ઘટવાનું મુખ્ય કારણ એગ્રીકલ્ચરમાં વધતા પેસ્ટીસાઇડ છે. ગુજરાતમાં ૨૦૨૦ના મધ્યમાં ગીધની ગણતરી કરવામાં આવનાર છે તે પહેલાં વન વિભાગના ચોંકાવનારા આંકડા પ્રાપ્ત થયા છે. હાલના તબક્કે ગીધની સંખ્યા માત્ર ૭૦૦ની આસપાસ હોવાનું અનુમાન છે. ચોંકાવનારી બાબત એવી છે કે દેશમાં પણ ગીધની વસ્તીમાં ઘટાડો થયો છે. રાજયના વન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે, ગુજરાતમાં ગીધની વસ્તીમાં ૨૦૧૮ના વર્ષમાં ૪૩ ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો પરંતુ ૨૦૨૦માં થનારી ગણતરીમાં ગીધની વસ્તીમાં ૧૮ ટકા જેટલો ઘટાડો થાય તેવી સંભાવના છે. રાજયમાં ૨૦૧૬ની ગણતરી પછી ૯૯૯ ગીધ જાેવા મળ્યા હતા જયારે ૨૦૧૮ની ગણતરી પ્રમાણે રાજયમાં ૮૨૦ ગીધ હોવાનું જણાયું છે, આ આંકડો ચોંકાવનારો છે. ભારતમાં ગીધની ત્રણ પ્રજાતિઓ લુપ્ત થવાની કગાર ઉપર પહોંચી ગઈ છે. ગીધની સંખ્યા ત્રણ દાયકામાં એટલી ઘટી ગઈ છે કે, આ મામલો હવે સંસદમાં પહોંચ્યો છે. આંકડા અનુસાર, ૮૦ના દાયકાથી દેશમાં ગીધોની સંખ્યામાં ૯૯.૯૫ ટકાનો ઘટાડો થયો છે. અર્થાત દેશમાં ફકત ૦.૦૫ ટકા ગીધ બચ્યા છે. વર્ષ ૧૯૮૦ સુધી દેશમાં ત્રણ પ્રજાતિના ૪,૦૦,૦૦,૦૦૦ ગીધ હતાં. એમાં સફેદ પૂંછવાળા, લાંબી ગરદન વાળા અને પાતળી ગરદન ગીધ સામેલ હતાં. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડકરે થોડાં સમય પહેલાં લોકસભામાં કહ્યું હતું કે, બોમ્બે નેચરલ સોસાયટી (બીએનએસ)એ સફેદ પૂંછવાળા, લાંબી ગરદનવાળા, અને પાતળી ગરદનવાળા ગીધનું સર્વેક્ષણ કરાવ્યું હતું જેમાં ૮૦ના દાયકાની શરૂઆત સુધી દેશમાં આ ત્રણ પ્રજાતિના ૪ કરોડ ગીધ ઉપસ્થિત હતા પરંતુ ૨૦૧૫માં ધ્યાનમાં આવ્યું કે સફેદ પૂંછવાળા ગીધોની સંખ્યામાં ઘટાડો ઓછો થયો છે, પરંતુ લાંબી ગરદનવાળા ગીધોની સંખ્યા સતત ઘટી રહી છે. ૨૦૧૭માં પ્રકાશિત સર્વે અનુસાર, દેશમાં ૬૦૦૦ સફેદ પૂંછવાળા, ૧૨૦૦૦ લાંબી પૂંછવાળા અને ૧૦૦૦ પાતળી ગરદનવાળા ગીધ બચ્યા હતા. કેન્દ્ર સરકારે પણ કબૂલ કર્યું છે કે, ગીધની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. ગુજરાત રાજયના વન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે પશુઓને દુઃખાવામાં રાહત આપતી દવા ડાઈકલોફેનિક ગીધોની સંખ્યા ઘટવા માટે જવાબદાર છે પરંતુ હવે નવી દવા મેલોકિસકેમ આવી ગઈ છે, જે ગીધો માટે હાનિકારક નથી. ગીધને બચાવવા માટે દેશના વિવિધ રાજયોમાં ૮ વલ્ચર કંઝર્વેશન બ્રીડિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે. હરિયાણાના પિંજૌર, પશ્ચિમ બંગાળના રાજભટખ્વા, અસામના રાનીમાં અને ભોપાલ નજીક કેરવામાં સેન્ટર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાતના જૂનાગઢ, ઔરિસ્સાના નંદનકાનન, તેલંગાણાના હેદ્રાબાદ અને રાંચીના મુતામાં એક-એક કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. પક્ષી ગણતરીમાં સામેલ રહેતા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ૨૦૦૭ માં ગુજરાત રાજયમાં ૧,૪૩૧ ગીધ હતા પરંતુ હવે માત્ર ૮૨૦ ગીધ જ બાકી રહ્યાં છે. ગુજરાત રાજયના વન મંત્રી ગણપત વાસવાએ સ્વીકાર્યું હતું કે રાજયમાં ગીધની વસ્તીમાં ઘટાડો થયો છે. સ્કવેન્જર પક્ષીઓ માટે સલામત ઝોન તરીકે ગણવામાં આવતા વિસ્તારોમાં પણ સંખ્યા ઘટી રહી છે. ૨૦૧૬ માં ગિરનારમાં અને તેની આસપાસના વિસ્તારમાં અંદાજ મુજબ ગિરનારી ૧૩૧ ગીધ હતા. પરંતુ તે સંખ્યા હવે ૧૦૦ના અંદર છે. ગીધની કુલ ૯ પ્રજાતિમાંથી ગુજરાતમાં માત્ર ચાર પ્રકારનાં જ ગીધ છે જેમાં સફેદ પીઠ ગીધ, ગીરનારી ગીધ, ખેરો અને રાજગીધનો સમાવેશ થાય છે. ૨૦૧૨માં થયેલી ગણતરીમાં સફેદ પૂંછવાળા ગીધની સંખ્યા ૫૭૭ હતી અને લાંબી ચાંચવાળા ગીધની સંખ્યા ૩૬૧ નોંધાઈ હતી. આમ, ગુજરાતમાં કુલ ગીધની સંખ્યા ૯૩૮ હોવાનું રેકોર્ડ ઉપર નોંધવામાં આવ્યું હતું. જે પ્રકારે ભૂતકાળમાં ગીધોની ગણતરી કરવામાં આવી હતી તેવી જ રીતે માથા ગણીને ૨૦૧૮માં ગીધની ગણતરી કરવામાં આવી હતી. ગણતરી માટે જંગલો, ગ્રામ્ય વૃક્ષો, સિમાડાઓનાં ખોરાકી સ્થળો અને માળાઓ ઉપર તપાસ કરવામાં આવી હતી. ૨૦૧૨માં થયેલી વસ્તી ગણતરી બાદ ગુજરાત રાજયમાં કેટલા ગીધ ઓછા થયા કે વધ્યા એનો અંદાજ આવી શકે એમ છે. જંગલ ખાતાનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ ૨૦૧૦માં થયેલી ગણતરીમાં ૧,૦૩૯ ગીધ નોંધાયા હતા. કેટલાક સૂત્રો કહે છે કે ૨૦૧૪માં સરકારે એટલા માટે ગીધોની વસ્તી ગણતરી કરવાનું માંડવાળ કર્યું હતું કે સરકારને આ મુદ્દે ભારે ટીકા સહન કરવાનો વારો આવી શકે એમ હતો. જંગલ ખાતાનાં સત્તાવાર સૂત્રો કહે છે કે, સુરેન્દ્રનગર અને આણંદમાં ગીધોનાં પ્રજનનમાં સુધારો થયો હોવાના રિપોર્ટ છે. આ અહેવાલોનાં કારણે ખાતાને ગણતરી કરવા માટે પ્રોત્સાહન મળી રહ્યું છે અને લાંબા ગાળાનાં બ્રેક પછી ગણતરી શકય બની હતી. સર્વે દરમ્યાન જણાઇ આવ્યું હતું કે, અમદાવાદમાં ૮૮ જીપ્સ અને ૩૮ ઈજિપ્શિયન ગીધ જયારે મહેસાણામાં ૬૮ જીપ્સ અને ૧૪ ઈજિપ્શિયન ગીધ મળી આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં જીપ્સ ગીધનું સંકેન્દ્રીકરણ કરવામાં આવ્યું હતું. ૨૦૨૦માં ખાસ કરીને અમદાવાદ, રાજકોટ અને જૂનાગઢ, ભાવનગર, જામનગર, વડોદરા, સુરત, ગાંધિનગર શહેરોમાં ગીધોની ગણતરી કરવામાં આવનાર છે.

error: Content is protected !!