ખાદી ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનારા મો.લા.પટેલનું ફ્રેબુઆરી માસમાં ભવ્ય સન્માન

0

જૂનાગઢ તા.રર
જૂનાગઢનાં સામાજીક, રાજકીય, રચનાત્મક પ્રવૃત્તિનાં પ્રણેતા, કેળવણીક્ષેત્ર અને ખાદી ઉદ્યોગ સહિતનાં વિવિધ ક્ષેત્રએ અમુલ્ય અને મહત્વનું યોગદાન આપનારા માજી સાંસદ, માજી મંત્રી અને પટેલ કેળવણી મંડળ સંસ્થામાં દાદાજીનાં હુલામણાં નામે ઓળખાતા શ્રી મોહનભાઈ લાલજીભાઈ પટેલનું આગામી ફ્રેબુઆરી માસમાં ગુજરાતની ખાદી ગ્રામ ઉદ્યોગ સંસ્થાઓ દ્વારા સન્માનનો એક કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ તેમજ વિવિધ ક્ષેત્રનાં અગ્રણી, મહાનુભાવો ઉપસ્થિત રહેનાર હોય અને તે અંગેની તૈયારી હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢનાં માજી સાંસદ, માજી મંત્રી અને અનેક ક્ષેત્રોમાં પોતાની દિર્ધદ્રષ્ટિ અને કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન પુરૂં પાડનારા શ્રી મોહનભાઈ લાલજીભાઈ પટેલ છેલ્લાં ૭ દાયકાથી ખાદીની સંસ્થા સાથે સંકળાયેલાં છે. ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબર, રચનાત્મક પ્રવૃત્તિ અને પંચાયત વિભાગનાં મંત્રી રતુભાઈ અદાણી, વજુભાઈ શાહ દ્વારા સ્થપાયેલી સૌરાષ્ટ્ર રચનાત્મક પ્રવૃત્તિમાં ખુબ જ યોગદાન આપવામાં આવેલ છે. તેમજ ઉનાં, કેવદ્વા, શાપુર વગેરે સ્થળોએ જે-તે વખતે સ્થાપવામાં આવેલી ખાદીની સંસ્થાઓમાં શ્રી મોહનભાઈ પટેલએ મહત્વની કામગીરી નિભાવી અને યોગદાન આપ્યું છે. આ ઉપરાંત જૂનાગઢમાં પણ છેલ્લાં પ૦ વર્ષથી ખાદી ક્ષેત્રે મહત્વની કામગીરી તેઓ કરી રહ્યાં છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં ખાદીનાં વિચારોની અમલવારી કરી અને ખાદીને પ્રોત્સાહન મળે તે માટેનાં મહત્તમ પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. જૂનાગઢમાં ખાદીનું કામ કરતી ગ્રામભારતી સંસ્થાની સ્થાપના શ્રી મોહનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી. ગ્રામોદ્યોગ મંદિર, આઝાદ ચોક ખાતેનો ખાદી ભંડાર, કેશોદ ખાદી ભંડાર વગેરેની પણ સ્થાપના કરી
શ્રી મોહનભાઈ પટેલે સર્વોદય યોજનાઓ પણ ચાલુ કરી હતી. સંત અને અવતારી એવા વિનોબા ભાવે કે જેઓએ ભુદાન યજ્ઞની ચળવળ શરૂ કરી અને ગરીબ ખેડુતોને જમીન અપાવી હતી. આ ભુદાન યજ્ઞનાં અભિયાનને જૂનાગઢ, સોરઠ અને સૌરાષ્ટ્ર પંથકમાં પણ શ્રી મોહનભાઈ પટેલએ હાથ ધરી અને સંખ્યાબંધ ખેડૂતોને જમીનો અપાવી હતી. આઝાદીની ચળવળો અને જૂનાગઢની આરઝી હકુમતમાં પણ શ્રી રતુભાઈ અદાણી સાથે રહી અને મહત્વની કામગીરી કરી છે. તેઓએ સ્વાતંત્રની ચળવળોમાં કામગીરી કરી હોવા છતાં પણ કયારેય પોતે સ્વાતંત્ર સેનાની છે તેવું કહ્યું નથી. તે તેમની વિશેષતા રહી છે. શ્રી મોહનભાઈ પટેલ દ્વારા ખાદી ઉદ્યોગ માટેની સ્થપાયેલી કામગીરીમાં જૂનાગઢનાં મહાનગરપાલિકાનાં મેયર એવા ધીરૂભાઈ ગોહેલએ માનદ મંત્રી અને ટ્રસ્ટી તરીકે છેલ્લાં ૪૦ વર્ષથી એક નિષ્ઠાવાન અને અદના કાર્યકર તરીકે ફરજ બજાવી રહ્યાં છે અને સેવા કરી રહ્યાં છે. શ્રી મોહનભાઈ પટેલ દ્વારા ખાદી ક્ષેત્રે જે યોગદાન આપવામાં આવી રહ્યું છે ત્યારે તેમની આ વિશિષ્ટ સેવાનાં ભાગરૂપે આગામી ફ્રેબુઆરી માસમાં શ્રી મોહનભાઈ પટેલને સન્માનવાનો એક કાર્યક્રમ ગુજરાતની ખાદી સંસ્થાઓ દ્વારા કરવામાં આવનાર છે અને જેનું આયોજન સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિનાં પ્રમુખ ગાંધીવાદી દેવેન્દ્રભાઈ દેસાઈ તથા મનુભાઈ મહેતા (સાવરકુંડલા) વાળાએ કર્યું છે અને જેમનાં માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારી હાથ ધરવામાં આવી રહી છે. આ સન્માનનાં કાર્યક્રમમાં ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ પણ ખાસ મહેમાન બને તે માટે ખાસ આમંત્રણ પાઠવવા માટે જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, શહેર ભાજપ પ્રમુખ શશીકાંતભાઈ ભીમાણી, વિકીભાઈ ગોહેલએ ગઈકાલે ગાંધીનગરની મુલાકાત લીધી હતી અને નાયબ મુખ્યમંત્રીશ્રીને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રનાં અગ્રણી, આગેવાનો અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!