ભવનાથ ખાતે યોજાતા શિવરાત્રિ મેળાની પૂર્વતૈયારીના ભાગરૂપે આજે મહત્વની બેઠક

0

જૂનાગઢ તા. ર૧
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થક્ષેત્રમાં પ્રતિવર્ષ યોજાતા શિવરાત્રિના મેળા અંગેની આ વર્ષે પણ તૈયારીનો પ્રારંભ થઈ ગયો છે. આજે જૂનાગઢ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને એક મહત્વની બેઠક આયોજન માટેની મળી રહી છે જેમાં ઉપÂસ્થત મહાનુભાવોના સૂચનો લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે.
ભવનાથ તીર્થ ક્ષેત્રમાં દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા શિવરાત્રિ મેળામાં પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. ગત વર્ષે ગુજરાત સરકાર દ્વારા મીની કુંભ મેળો ર૦૧૯ યોજવામાં આવ્યો હતો અને સરકાર દ્વારા ૧પ કરોડ જેવી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તે વખતે સરકારે દર પાંચ વર્ષે શિવરાત્રિના મેળાને લઘુ મેળા તરીકે યોજાશે તેવી જાહેરાત કરી હતી. દરમ્યાન આ વર્ષે પણ શિવરાત્રિનો મેળો મહા મેળાં તરીકે યોજાય તેવી આમ જનતાની લાગણી અને માંગણી છે. સરકારને પણ વિવિધ સંગઠનો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી રહી છે અને આજે યોજાઈ રહેલી શિવરાત્રિ મેળાના આયોજન અંગેની બેઠક ઉપર સબંધિત તમામની મીટ રહેલી છે.
જૂનાગઢ ખાતે દર વર્ષે યોજાતા શિવરાત્રિના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે. દૂર દૂરથી ભાવિકો ખાસ મેળામાં આવતા હોય છે. દર વર્ષે દસ લાખ ઉપરાંતની જનતા આ શિવરાત્રિ મેળામાં થતી હોય છે. અહીં આવનારા ભાવિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સરકારી તંત્ર, વન વિભાગ, સ્થાનિકતંત્ર, મહાનગરપાલિકા તંત્ર, એસટી વિભાગ, રેલ્વે તંત્ર ઉપરાંત ગીરનાર મંડળના સંતો તેમજ સેવાની પરબો માંડીને બેઠેલા ઉતારા મંડળ અને અન્નક્ષેત્રના સંચાલકો દ્વારા પણ અહીં આવનારા ભાવિકોને માટે ખાસ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ભજન, ભોજન અને ભÂક્તના ત્રિવેણી સંગમ સમા શિવરાત્રિ મેળાનું આગવું અને અનેરૂં મહત્વ છે. મહાશિવરાત્રિના દિવસે દિગમ્બર સાધુની રવેડીના દર્શન માટે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. શિવરાત્રિ મેળાના પાંચ દિવસો એટલે ભજન, ભોજન અને ભક્તનો ત્રિવેણી સંગમ ગુંજી ઉઠે છે. ગીરનારની પહાડીઓ ઉપર ભજનોનાં પડછંદ પડઘા સંભળાય છે અને સંપૂર્ણ ધાર્મિકતા સાથે આ મેળાની ઉજવણી કરવામાં આવે છે. દૂર દૂરથી આવેલા સંતોના દર્શન કરવા એ ભાવિકોને માટે જીવનનો અનન્ય લહાવો છે. આવા શિવરાત્રિ મેળાને શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ રહ્યા છે. આગામી તા. ૧૭ થી તા. ર૧ ફેબ્રુઆરી સુધી શિવરાત્રિનો મેળો યોજાનાર છે ત્યારે આ મેળાના આયોજન અંગે આજે જૂનાગઢ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ રહી છે. દર વર્ષે યોજાતા શિવરાત્રિ મેળામાં કેટલીક મુશ્કેલીઓ પડતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે આ વર્ષે સંપૂર્ણ અને સુચારૂ આયોજન થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવા લાગણી અને માંગણી પ્રવર્તી રહી છે. તેમજ ઉતારા મંડળ સાથેનાં પ્રશ્નો ઉકેલવા પણ માંગણી ઉઠી છે.