જૂનાગઢ તા. ર૮
જૂનાગઢ મહાનગરપાલિકા કમિશ્નર દ્વારા ગઈકાલે ર૦ર૦-ર૧નું અંદાજપત્ર સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ઘરવેરો, પાણી વેરો, દિવાબતી સહિતનાં સૂચિત વેરામાં વધારો થાય તો મનપા વિસ્તારનાં લોકો ઉપર ૧૮.પ૦ કરોડનો વેરાબોજ આવી પડનાર છે ત્યારે જેને લઈને જનતામાં અસંતોષ અને રોષની લાગણી ફેલાઈ છે.
જૂનાગઢ શહેરને આમ મહાનગરપાલિકાનું રૂપકડું ઘરેણું પહેરાવી દીધું છે. બાકી આ શહેરની હાલત લોકો જાણે જ છે. એક મોટા ગામડાથી વિશેષ આ શહેરમાં ન હોય તેવી લાગણી સતત ર૦ વર્ષ થયા આમ જનતા સ્વીકારી રહેલ છે. દર વર્ષે મહાનગરપાલિકા દ્વારા અંદાજપત્રીય બજેટમાં વિકાસ કામો કરતા જુદા જુદા વેરા આમ જનતા ઉપર નાખી ત્રાસ ફેલાવી રહી છે. જૂનાગઢ શહેરમાં લોકોની પ્રાથમિક સુવિધા પુરી આપવામાં મહાનગરપાલીકાનાં ભાજપનાં શાસકો સદંતર નિષ્ફળ રહયા છે. ચૂંટણી ઢંઢેરા સમયે વચનોની લ્હાણી કરી અને લોકોને લોલીપોપ આપી છે. ત્યારે શાસકો આ વચન નિભાવવામાં નિષ્ફળ ગયા છે. વિકાસના કામોનાં ફકત ખાતમુહુર્ત થતાં હોય છે પરંતુ આગળની કાર્યવાહી કરવામાં મહિનાઓ લાગી જાય છે.
દરમ્યાન મહાનગરપાલિકા કમિશ્નર દ્વારા જે અંદાજપત્રીય બજેટ રજુ કરવામાં આવેલ છે તેમાં વેરા વધારાનો વિરોધ પક્ષનાં નેતા અબ્દ્રેમાન પંજા તેમજ કોંગ્રેસ પક્ષનાં મંજુલાબેન પરસાણાએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. જૂનાગઢમાં ગણ્યા ગાઠયા ઉદ્યોગો ચાલે છે. નાના ઉદ્યોગોની હાલત ખરાબ છે ત્યારે વેરામાં વધારો કરીને ઉદ્યોગ બંધ કરી નાખવાનું જાણે મહાનગરપાલિકાએ બીડું ઝડપ્યું હોય તેવું લાગે છે. હવે વધારે વેરાનું ભારણ જૂનાગઢની જનતા સહન કરી શકે તેમ નથી તેવો તિવ્ર આક્રોશ ઉઠી રહયો છે તેવા સંજાગોમાં જા વેરા વધારો થશે તો જનતા જનાર્દન લોક લડત કરશે તેમજ મહાનગરપાલિકાની કચેરીને ઘેરાવ કરે તેવી શકયતા છે. વિશેષમાં હાઉસ ટેક્ષસની આકારણીમાં પણ કર માફી યોજના અંતર્ગત ગુજરાતનાં દરેક કોર્પોરેશનમાં પ૦ ટકા કર માફી આપવામાં આવી છે તેનો ચૂસ્તપણે અમલ થવો જાઈએ તેવી માંગણી અને લાગણી જનતામાંથી ઉઠવા પામી છે.