જૂનાગઢનાં ૪, રાજકોટનાં ૧૧ સહિત કુલ ર૩ વિદ્યાર્થીઓ સહિ સલામત પરત આવી ગયા
અમદાવાદ તા. ર૯
ચીનમાં કોરોના વાયરસના આતંક વચ્ચે સ્વદેશ પરત ફરવા ધસારો કરી રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓમાંથી ત્રણ વિદ્યાર્થીઓને નાનચેંગ એરપોર્ટ ઉપર તેમનો મેડીકલ રીપોર્ટ સંતોષકારક નહી આવતા તેઓને દિલ્હી આવતા વિમાનમાં ચડવા દેવાયા નથી. જેમાં બે વિદ્યાર્થીના સ્વાસ્થ્ય લથડયું હોવાના પણ રીપોર્ટ છે. પૂર્વ ચાઈનાના નાનચેંગ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરી રહેલા આ વિદ્યાર્થીઓમાંથી પાલનપુરના અમીત ચોરડીયાએ એક વિડીયો મેસેજ કરીને ભારતીય દૂતાવાસની મદદ માંગી છે. આ ત્રણ વિદ્યાર્થીઓ નાનચેંગથી દિલ્હી અને ત્યાંથી અમદાવાદની ફલાઈટમાં પરત આવવાના હતા. આ વિદ્યાર્થીએ દાવો કર્યો કે, વિમાની મથકે સ્પીંગ એરલાઈનના મેનેજરે તેઓને બોડીંગ કરતા અટકાવ્યા હતા. તેઓના શરીરનું ઉષ્ણતામાન ઉંચુ હોવાનું જણાવી તેમને પ્રવાસની છૂટ અપાઈ નથી. આ વિદ્યાર્થીઓને વિમાની મથકે મેડીકલ ચેકઅપ કરાયુ હતું અને તેમના શરીરનું ઉષ્ણતામાન આપવા ખાસ પ્રકારના ઈન્ફ્રારેડ કિરણો વાળા મશીનમાંથી પસાર કરાયા હતા. તેમનું બોડી ટેમ્પરેચર ૮૧માંથી ૩૭ ડીગ્રી કરતા થોડુ વધુ ૩૭.૩ ડીગ્રી હોવાનું જાહેર થતા તેઓને પ્રવાસ કરતા અટકાવાયા હતા. વિદ્યાર્થીનો દાવો છે કે, ભારતીયોનું બોડી ટેમ્પરેચર ૩૭.૫ એ સામાન્ય ગણાય છે અને અમારુ તેની મર્યાદામાં જ હતું. છતાં પણ એરપોર્ટ ઉપર તેઓને રોકી દેવાયા હતા. પાલનપુરના નવનીત બારોટે કહ્યું કે, અમારો ટેસ્ટ નેગેટીવ હતો. છતાં પણ અમોને રોકી દેવાય છે. તેઓએ કહ્યું કે, નાનચેંગમાં સ્થિતિ વણસી રહી છે. અહી રાત્રીના જ કોરોનો પોઝીટીવ કેસ ૮માંથી વધીને ૧૮ થયા છે. વિદ્યાર્થીઓ પાસે પૂરતું ભોજન કે પાણી પણ નથી. બીજી તરફ જુનાગઢના ચાર અને ૧૧ રાજકોટના સહિત ૨૩ વિદ્યાર્થીઓ સહીસલામત સ્વદેશ પરત આવી ગયા છે. જેમાં જુનાગઢના મોનાર્ચ સાવલીયાનો સમાવેશ થાય છે. તેણે ચીનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું જણાવ્યું હતું.