દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આજ સાંજથી પ્રચાર પડઘમનો અંત :શનિવારે મતદાન

0

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આજે સાંજે જાહેર પ્રચાર પડઘમ શાંત થઈ જશે. સાંજે ૬ વાગ્યાથી ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. ત્યાર પછી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી ૪૮ કલાક કોઈ પણ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર પ્રચાર નહીં કરી શકે. ૮ ફેબ્રુઆરીએ ૨૬૮૮ મતદાન કેન્દ્રો પર સવારે ૮ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થશે. મુખ્ય ચૂંટણી અધિકારી ડો. રણવીરસિંહે કહ્યુ કે જે મતદાર સાંજે ૬ વાગ્યા સુધીમાં મતદાન કેન્દ્રમાં પ્રવેશ કરી લેશે, તે મતદાન કરી શકશે. શાંતિપૂર્ણ ચૂંટણી માટે સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવાઈ છે. શાહીનબાગની આસપાસના મતદાન કેન્દ્રો પર વધારાના અર્ધસૈનિક બળો તૈનાત રહેશે.
આ વખતે કુલ ૨૬૮૮ મતદાન કેન્દ્રોમાં ૧૩૭૫૧ બુથો ઉપર મતદાન થશે. જ્યારે ૫૧૬ મતદાન કેન્દ્રોના કુલ ૩૮૪૧ બુથ અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. ચૂંટણી આચારસંહિતા અમલમાં આવ્યા પછી અત્યાર સુધીમાં હિંસાની ૯ ઘટનાઓ બની છે જેમાં ૧૩ લોકો ઘાયલ થયા હતા.
મતદાન કેન્દ્રો ઉપર સુરક્ષા માટે દિલ્હી પોલીસના ૪૨ હજાર જવાન અને ૧૯ હજાર હોમગાર્ડ તહેનાત હશે. આ વખતે અર્ધ સૈનિક દળોની ૧૯૦ કંપનીઓ બોલાવાઈ છે. ગત લોકસભા ચૂંટણીમાં ૪૭ કંપનીઓ તહેનાત કરાઈ હતી. અર્ધસૈનિક દળોની આ ટુકડીઓને અત્યારે શાહીનબાગ સહિત સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ માટે મુકાઈ. આ ચૂંટણીમાં બધા મળીને લગભગ અઢી લાખ કર્મચારીઓ તહેનાત રહેશે.