વોશિંગ્ટન, તા. ૧૨.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરીના અંતમાં પોતાની ભારતની મુલાકાતને લઈને ભારે ઉત્સુકતા દર્શાવી છે. ટ્રમ્પે વડાપ્રધાન મોદીના વખાણ કરતા તેમને એક સજ્જન વ્યકિત અને એક સારા મિત્ર ગણાવ્યા છે. ટ્રમ્પે અમદાવાદના મોટેરા સ્ટેડીયમમાં યોજાનારા પોતાના કાર્યક્રમને લઈને પણ ખુશી વ્યકત કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહ્યુ છે કે પીએમ મોદી સજ્જન વ્યકિત છે અને મારા સારા મિત્ર છે. ટ્રમ્પે પોતાના કાર્યક્રમને લઈને ખુશી પણ જાહેર કરી છે. વ્હાઈટ હાઉસ દ્વારા સત્તાવાર મુલાકાતની પુષ્ટી કરાયા બાદ ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે હું ભારત જવા ઉત્સુક છું. એક સવાલના જવાબમાં પીએમ મોદીના વખાણ કરતા અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે, પીએમ મોદી મારા સારા મિત્ર છે અને એક સારા તથા સજજન માણસ પણ છે.
ટ્રમ્પે કહ્યુ હતુ કે મેં આ સપ્તાહના અંતમાં પીએમ મોદી સાથે વાત કરી હતી અને વાતચીત દરમ્યાન વડાપ્રધાન મોદીએ મને જણાવ્યુ હતુ કે એરપોર્ટથી અમદાવાદના મોટેરા સ્ટેડીયમ સુધી લાખો લોકો તમારૂ સ્વાગત કરશે. અત્રે નોંધનીય છે કે ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીના રોજ ટ્રમ્પ ભારત આવી રહ્યા છે અને તેઓ દિલ્હી અને અમદાવાદની મુલાકાત લેશે. અમદાવાદના મોટેરા સ્ટેડીયમમાં તેઓ હ્યુસ્ટનના હાઉડી મોદી જેવા એક ઈવેન્ટને સંબોધન કરશે અને ભારતીય – અમેરિકી લોકો સાથે સંવાદ પણ કરશે.
ટ્રમ્પની ભારત યાત્રા દરમિયાન બન્ને દેશો વચ્ચે વ્યાપારીક અને સંરક્ષણ સોદાના અંતિમ ઓપ આપવામાં આવે તેવી શકયતા છે. ટ્રમ્પે કહ્યુ છે કે ભારત પ્રવાસ પહેલા ત્યાં જવાની મારી આતુરતા વધી ગઈ છે. ટ્રમ્પની મોદી સાથે ચારથી પાંચ વખત અલગ અલગ મુલાકાત થશે. અમદાવાદમાં ‘કેમ છો ટ્રમ્પ’ નામનો કાર્યક્રમ યોજાશે. જેમાં ટ્રમ્પના પત્નિ મલેનીયા ટ્રમ્પ પણ ઉપસ્થિત રહેશે.
ટ્રમ્પની ભારતની મુલાકાતથી બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ સુદ્રઢ બનશે. અમદાવાદમાં ટ્રમ્પને આવકારવાની જોરશોરથી તૈયારી થઈ રહી છે.