જૂનાગઢની બજારમાં લાલબાગની કેરીનું આગમન, કેસર કેરી માટે હજુ ત્રણ મહિનાની રાહ

0

ઉનાળાનું હવે ધીમે પગલે આગમન થઈ રહયું છે. ત્યારે ગીર પંથકની કેસર કેરીનું સોડમ પણ પ્રસરવી શરૂ થઈ ગઈ છે. હાલ તો બજારમાં નાની કેરી ખાખડી વેંચાતી જોવા મળી રહી છે પરંતુ કિલોના રૂ.૮૦૦ થી રૂ.૧૦૦૦ જેવા ભાવ બોલાય રહયા છે. ગીરની કેસર કેરી સમગ્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને કેરીમાં ફળનો રાજા કહેવાય છે.
દર વર્ષે ઉનાળાની ઋતુમાં વિવિધ પ્રકારની કેરીઓ બજારમાં આવવી શરૂ થઈ જાય છે. અને ભારતભરમાં ર૮૩ જાતની કેરીઓ જોવા મળે છે. જેમાંથી માત્ર ૩૦ જાત જ સૌથી વધુ લોકપ્રિય છે. એમાં પણ કેસર કેરી અને બાદમાં હાફુસ કેરીનો નંબર આવે છે. આ ઉપરાંત રત્નાગીરી કાગડા, લંગડો, રાજાપુરી, તોતાપુરી, દશેરી, પાપરી, સરદાર, નીલમ, આમ્રપાલી, બેગમપક્ષી, વનરાજ, નીલફાન્સો, આલ્ફાન્સો, જમાદાર, મલીકા, રતના, સિંધુ, બદામ, નીલેશાન, દાડમીયો, લાલબાગ, દુધપેડો, મલગોબો જેવી કેરીઓનો સ્વાદ શોખીનો ખાસ લેતા હોય છે. એમાં પણ ગુજરાતીઓ માટે તો કેસર કેરી જ ખાસ પ્રિય છે. જો કે, હવે આ કેસર કેરી અન્ય રાજયોમાં પણ મોકલવામાં આવે છે. વિદેશમાં પણ તેની ભારે ડીમાન્ડ રહે છે.
હાલ તો બજારમાં હાફુસ કેરી અને લાલબાગ કેરીજ વેંચાતી જોવા મળી રહી છે. જેમાં લાલબાગ કેરીના ભાવ પ્રતિકિલો રૂ.૩૦૦ અને હાફુસ કેરીના ભાવ રૂ.૧૦૦૦ તેમજ રત્નાગીરી કેરીના ભાવ રૂ.૮૦૦ જોવા મળી રહયા છે. જૂનાગઢની બજારમાં પણ લાલબાગ કેરીનું આગમન થઈ ગયું છે. જો કે, ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરમાં લોકપ્રિય કેસર કેરી માટે હજુ પણ ત્રણેક મહિનાની રાહ જોવી પડશે. મે અને જુન મહિનામાં આવતી કેસર કેરીનો સ્વાદ અસલ હોય છે. હાલ તો કેરીના સ્વાદ રસીયાઓ હાફુસ અને લાલબાગ કેરીની ખરીદી કરતા જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય બની રહયું છે કે, ગીર પંથકમાં આંબાના ઝાડ ઉપર ભરપુર પ્રમાણમાં મોર ફુટયા છે અને સિઝનમાં કેસર કેરીનો ફાલ સારો ઉતરશે એવી બાગાયતદારો અને ખેડુતો આશા સેવી રહયા છે.

error: Content is protected !!