ઉપરકોટનો વિકાસ અને રોપ-વેનાં લોકાર્પણનાં દિવસો હવે દુર નથી !

0

તાજેતરમાં જ જૂનાગઢ નજીક આવેલાં ભવનાથ ક્ષેત્રમાં તા.૧૭ થી ર૧ દરમ્યાન શિવરાત્રીનો મેળો શાંતિમય રીતે સંપન્ન થયો છે. ભગવાન ભવનાથ મહાદેવને સંતો અને ભાવિકોએ કરેલી પ્રાર્થના જાણે સફળ થઈ છે. તેમ લાગે છે ગુજરાત સરકારે ઉપરકોટ તેમજ ગિરનાર ક્ષેત્ર અને રોપ-વે માટે નાણાંકીય જાગવાઈ બજેટમાં કરતાં તેને વ્યાપક આવકાર આપવામાં આવી રહ્યો છે.
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતીનભાઈ પટેલ દ્વારા ગઈકાલે ગુજરાત સરકારનું ર૦ર૦, ર૦ર૧નું નાણાંકીય બજેટ રજુ કરવામાં આવેલ હતું. આ બજેટમાં વિવિધ ક્ષેત્રોને આવરી લેતી સંખ્યાબંધ જાહેરાતો કરવામાં આવી હતી. ગુજરાતનાં સર્વાંગી વિકાસનાં સપનાં સાથે રજુ થયેલાં બજેટમાં જૂનાગઢનાં સુપ્રસિધ્ધ ઉપરકોટનો કિલ્લો તેમજ ગિરનાર ક્ષેત્ર તેમજ રોપ-વે પ્રોજેકટ માટે ગ્રાન્ટની ફાળવણી કરતાં જૂનાગઢ શહેરનાં લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગયેલ છે. વિવિધ લોકોએ આ બજેટને આવકારેલ છે.
વિકાસની દિશામાં કાર્યરત થયેલાં જૂનાગઢ શહેરને વધુને વધુ કાંઈક આપવું તેવી નેમ ગુજરાત સરકારની રહી છે. જૂનાગઢ શહેરનાં લોકોની લાગણી અને માંગણીનો જાણે પડઘો પડતો હોય તે રીતે યોજનાઓની અવારનવાર જાહેરાતો કરવામાં આવતી હોય છે. ગુજરાત સરકારનાં બજેટમાં ખાસ કરીને ઉપરકોટનાં વિકાસ માટે ર૦ કરોડ અને ગિરનાર ક્ષેત્ર તેમજ રોપવે પ્રોજેકટ માટે ૧૩૦ કરોડની ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે. રાજાશાહી યુગની શાન એવાં ઉપરકોટ, સોરઠ પંથક અને ખાસ કરીને જૂનાગઢનું નઝરાણું છે. જૂનાગઢ આવનારા પ્રવાસીઓ ઉપરકોટની અવશ્યલ મુલાકાત લ્યે છે. અડીકડીવાવ, નવઘણ કુવો તેમજ બોધ્ધ ગુફાઓ સહિત જાવાલાયક સ્થળોની મુલાકાત લ્યે છે. પ્રવાસીઓની મોટી સંખ્યા જયારે ઉપરકોટ આવે છે ત્યારે ઉપરકોટ ખાતેની સ્થાપત્યોની જાળવણી પ્રત્યે દુર્લક્ષ સેવાતાં આ વ્યવસ્થા નિહાળી અને તેમને દુઃખ થતું હોય છે. પરંતુ હવે જયારે રાજય સરકારે ઉપરકોટનાં વિકાસ માટેની લોકોની લાગણીને પારખી અને ગ્રાન્ટની ફાળવણી કરી છે. ત્યારે આગામી દિવસોમાં ઉપરકોટ કિલ્લો સોરઠ અને સૌરાષ્ટ્ર માટેનું પ્રવાસન ક્ષેત્રનું એક મોટું નજરાણું બની જવાનું છે. તેમજ ગિરનાર ક્ષેત્ર અને રોપ-વે કાર્યરત થતાં જ જૂનાગઢ અને ગિરનાર ક્ષેત્રમાં આગામી સમયમાં જ પ્રવાસી જનતામાં પણ મોટો વધારો થવાનો છે અને રોજગારીની વિપુલ તકો ઉભી થવાની છે. રોપ-વે ઝડપી કાર્યરત થઈ જાય તેવી કામનાં લોકો કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહાનુભાવોનાં હસ્તે રોપ-વેનું લોકાર્પણ થાય એ દિવસો દુર નથી.

error: Content is protected !!