મોંઘવારીએ માઝા મુકી, જીવન જરૂરી ચીજવસ્તુઓમાં રપ ટકા જેવો ભાવવધારો

0

છેલ્લા ત્રણેક વર્ષથી મોંઘવારીએ માઝા મુકી છે. એમાં પણ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ દર વર્ષે વધી રહયા હોય, ગરીબ અને સામાન્ય વર્ગની સ્થિતી તો સાવ દયનીય બની ગઈ છે. રોજેરોજનું રળી ખાતા પરિવારને તો જીવન જીવવું દોહ્યલુ બની ગયું છે. દરેક ઘરોમાં મસાલા ભરવાની, ઘઉં ભરવાની, સીંગતેલના ડબ્બા ખરીદવાની મૌસમ આવી ગઈ છે. રસોઈમાં ઉપયોગમાં લેવાતા ધાણા, મરચું, હળદર, જીરૂ સહિતના મસાલાના ભાવો ગૃહિણીઓને દઝાડી રહયા છે. એમાં પણ ખાદ્ય તેલોમાં સીંગતેલના તો ભાવ ભડકે બળી રહયા છે. તેમજ તુવેરદાળ, મગ, અડદ, ચણાદાળ સહિતના કઠોળના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ઘઉંના ભાવ પણ વધતા જાય છે. આમ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના વધતા જતા ભાવથી ગૃહિણીઓનું રસોડાનું બજેટ સાવ વિંખાઈ ગયું છે. અત્રે નોંધનીય બની રહેશે કે, સરકારી નોકરીયાત વર્ગ અને સુખી સંપન્ન લોકો સિઝન પ્રમાણે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ જથ્થાબંધ રીતે વર્ષભર માટે ઘરમાં ભરી લેતા હોય છે. સિઝનના સમયમાં ભાવ યોગ્ય રહેતા હોવાથી વર્ષભરનું કરીયાણું મસાલાની ખરીદી કરી લેતા હોય છે પરંતુ ગરીબ અને સામાન્ય વર્ગમાં તો વર્ષભરનું કરીયાણું અને મસાલા જથ્થાબંધ રીતે ખરીદવાની શક્તિજ ન હોય રીટેઈલ (છુટ્ટક)માં માલ લઈ આવતા હોય છે. આ ચીજવસ્તુઓ જથ્થાબંધની સરખામણીએ રીટેઈલમાં ઘણી મોંઘી હોય છે. કરીયાણા અને મસાલાના વેપારીઓ સાથે આ અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગત વર્ષે લાલ મરચા, ધાણા, હળદર સહિતના મસાલાના ભાવ પ્રતિ કિલોએ રૂ.૧૮૦ થી રૂ.ર૦૦ની આસપાસ અંદાજે રહયા હતા. આ જુનો માલ ખલાસ થયા બાદ હવે નવો માલ બજારમાં આવશે અને કિલોએ રૂ.૪૦થી પ૦નો વધારો રહેવાની સંભાવના છે એમ વેપારીઓએ જણાવ્યું હતું. સીંગતેલના ગત વર્ષ ડબ્બાના રૂ.૧૮૦૦ આસપાસ ભાવ હતા પરંતુ આ વર્ષે હાલ રૂ.ર૦૦૦નો ભાવ ચાલી રહયો છે અને રૂ.રર૦૦થી રપ૦૦ સુધી ભાવ આંબી જાય તેવી પણ શકયતા છે. આ ઉપરાંત બાસમતી ચોખા, જીરાસાર ચોખા, ઘઉં, બાજરો જેવા અનાજના ભાવ પણ વધવામાં જ છે અને ગત વર્ષ કરતા આ વર્ષે રપ ટકાનો ભાવવધારો જીવન જરૂરીયાતની દરેક ચીજવસ્તુઓમાં જાવા મળશે. લાલ મરચામાં લાલચોળ તેજીને કારણે ભારે ભાવવધારો થયો છે.
કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજયોમાં જીએસટીનો અમલ કરાયા બાદ તમામ ચીજવસ્તુઓ અને માલ સામાનના ભાવ વધી જવા પામ્યા છે. અત્રે એ પણ ઉલ્લેખનીય બની રહેશે કે, એક વખત ભાવ વધ્યા પછી તે ઘટતા નથી. પરંતુ વધતા જ જતા રહે છે. એમાં પણ રીટેઈલમાં તો દરેક ચીજવસ્તુઓના મન ફાવે તેવા ભાવ લેવાતા હોય છે. ગૃહિણીઓ પણ મત લેવામાં આવતા તેઓએ રોષભેર વેદના ઠાલવતા કહયું હતું કે, હવે તો ઘર ચલાવવું જ મુશ્કેલ બની ગયું છે. શાકભાજીના ભાવ દઝાડી રહયા છે એમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ પણ મોંઘીદાટ બની છે અને અમારૂં રસોઈનું બજેટ પણ સાવ ખોરવાઈ ગયું છે. ડુંગળીના ભાવ પછી આ વર્ષે આખું વર્ષ ઘરમાં ભરી શકાય તેવી બટેટાની વફર નહીં બની શકે. કેમ કે બટેટાના ભાવમાં પણ જબ્બર વધારો થયો છે. એક વખત ભાવ વધ્યા બાદ તે ઘટતા નથી અને સરકાર પણ મોંઘવારીને કાબુમાં લેવામાં નિષ્ફળ ગઈ હોય અને કોઈ પગલા લેતી ન હોવાનો આક્રોષ ઠાલવ્યો હતો.

error: Content is protected !!