જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં બેવડું વાતાવરણ, સવારે ઠંડી બપોરે ગરમી

0

જૂનાગઢ સહિત રાજયભરમાં છેલ્લાં એક અઠવાડિયાથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને જેને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. સોરઠની વાત કરીએ તો સોરઠ પંથકમાં સવારે ઠંડી ઝાકળભર્યું વાતાવરણ તેમજ બપોરે ગરમીનાં વાતાવરણ વચ્ચે જનજીવન અકળાઈ રહ્યું છે. ગરમીનો પારો વધુ ઉંચે જવાની શક્યતા છે.
જૂનાગઢ શહેરમાં એક અઠવાડિયાથી વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે. જેને કારણે મિશ્ર ઋતુ જેવા વાતાવરણથી શરદી-ઉધરસ, તાવ, ફુડ પોઈઝનીંગ જેવા બનાવો પણ બનતા હોય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તા.૧૦ મી માર્ચ સુધી લઘુતમ તાપમાન ૧પ થી ૧૭ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૩ થી ૩પ ડિગ્રી રહેશે. જૂનાગઢ શહેરનું આજનું તાપમાન જાઈએ તો મેકસીમમ ર૧.૦ર, મીનીમમ ૧૮.૦૩, ભેજ ૮૪ ટકા અને પવનની ગતિ ૪.૦૩ રહી છે. વિશેષમાં ગુજરાતનાં વિવિધ શહેરોમાં રાત્રીનાં સમયગાળા દરમ્યાન ગરમીનાં વધતાં-જતાં પ્રમાણને લઈને પંખા અને એસીનો ભારે ઉપયોગ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રનાં પાટનગર એવા રાજકોટમાં ૩પ.ર ડિગ્રી તાપમાન, અમરેલીમાં ૩પ.૪, સુરેન્દ્રનગરમાં ૩પ અને કેશોદમાં ગરમીનો પારો ૩પ થી ઉપર રહ્યો છે. આગામી ૩ દિવસ દરમ્યાન લધુતમ અને મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાનો નથી. બેવડી ઋતુનાં અનુભવને કારણે લોકો જુદાં-જુદાં ઈન્ફેકશનનો ભોગ બની રહ્યાં છે. ખાસ કરીને પેટનાં દુઃખાવાની ફરીયાદ સતત વધી રહી છે. શિયાળાની સતાવાર વિદાય હુતાસણી બાદ થવાની છે અને ઉનાળો પણ ત્યારથી જ વિધિવત રીતે બેસી જવાનો છે. તેવા સંજાગોમાં હાલ બેવડી ઋતુની અસરને કારણે લોકો માંદગીનાં ખાટલે પડી રહ્યાં છે. ઉનાળાનાં આગમન પહેલાં જ બજારોમાં ઠંડાપીણા, આઈસ્ક્રીમ, શેરડીનો રસ, કેરીનો રસ (કેરી હજુ આવી નથી પણ રસ વેચાવા લાગ્યો છે ! ) આ ઉપરાંત રાત્રીનાં બજારોમાં ગોલાની મોસમ પણ શરૂ થઈ ચુકી છે અને લોકો આઈસ ગોલા ખાવાની મોજ માણી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ધુળેટીનાં તહેવાર બાદ ઠંડી જશે અને ગરમીમાં વધારો થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.

error: Content is protected !!