હોળી, ધુળેટીનો તહેવાર નજીકમાં હોઈ, જૂનાગઢ શહેર તથા જિલ્લાના વિસ્તારોમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી, ચોરી, જેવા મિલકત વિરૂધ્ધના ગુન્હાઓના પ્રમાણ વધેલ હોય જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જિલ્લાના તમામ થાણા અમલદારોએ ખાસ પેટ્રોલીંગ તથા વાહન ચેકીંગ રાખવા સુચનાઓ કરવામાં આવેલ છે. જે માટે શહેર વિસ્તારમાં જુદા જુદા પોઇન્ટ ઉપર પોલીસ અધિકારી તથા સ્ટાફ દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરવા તથા અસરગ્રસ્ત વિસ્તારમાં પેટ્રોલિંગ ગોઠવી, હોટલ ધાબા ચેકીંગ, મજૂરોના દંગા ચેકીંગ તેમજ અવાવરૂ જગ્યાઓએ ખાસ ચેકીંગ હાથ ધરવા સુચનાઓ કરવામાં આવેલ છે. તેમજ નાઈટ રાઉન્ડમાં સ્ટાફના વધુ માણસો ફાળવી, જુદા જુદા પોઇન્ટ તથા સોસાયટી વિસ્તારમાં શકમંદોને ચેક કરવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવેલ છે. હાલમાં હોળી ધુળેટીના તહેવાર નજીકમાં હોઈ, પોતાના કિંમતી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ ઘરે નહીં રાખી, બેંકમાં સેઇફ ડિપોઝિટ વોલ્ટ લોકરમાં રાખવા તથા જ્યારે ઘર બંધ કરીને બહારગામ જવાનું થાય ત્યારે પાડોશીઓ તથા પોલીસને જાણ કરવા પણ અપીલ કરાઈ છે જેથી લાગતા વળગતા વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ તથા ધ્યાન આપી શકાય. ઉપરાંત, લોકોએ પોતાના મકાનમાં પણ પૂરતી સુરક્ષા રાખવા તથા તકેદારી રાખવા પણ અપીલ કરવામાં આવેલ છે. રૂપિયાની હેરફેર કરતા, બેંકમાં રોકડ વ્યવહાર કરતી વખતે તથા રોકડ રકમ લેવા માટે જતાં આવતા પણ ખાસ તકેદારી રાખવા પણ સૂચના કરવામાં આવેલ છે. પોતાના વાહનો લોક કરીને પાર્ક કરવા તેમજ ઓનલાઇન ટ્રાંઝેકશનમાં પણ સાવચેતી રાખવા તેમજ પોતાની ગુપ્ત માહિતી તથા પિન નંબર જાહેર નહીં કરવા તેમજ મોબાઈલ ઉપર બેંક ખાતાને લગતી કોઈ માહિતી નહિ આપવા અપીલ કરવામાં આવેલ છે.