ધો.૧૦-૧ર બોર્ડની પરિક્ષાની પૂર્વ સંધ્યાએ જૂનાગઢમાંથી પકડાયું બોગસ રિસીપ્ટ કૌભાંડ

0

જૂનાગઢ સહિત ગુજરાત રાજયભરમાં આજથી ધો.૧૦ અને ધો.૧રની પરિક્ષાનો શુભારંભ કરવામાં આવ્યો છે. પરિક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરિતી ન સર્જાઈ તે માટે સીસીટીવી કેમેરા સહિત આધુનિક ઉપકરણો સાથે કહેવાતું તંત્ર સજ્જ બની ગયું છે અને જાણે વિદ્યાર્થીઓ ઉપર કમાન્ડો સ્ટાઈલ નજર રાખી ચકાસણી કરવામાં આવે તેવી ટાઈપ પોઝીશન રાખી છે. પરંતુ ગમે તેટલાં કડક પ્રતિબંધો હોવા છતાં પણ કયાંક ને કયાંક કળાનાં કારીગરો પોતાનો ઈલમ બતાડી અને કૌભાંડ આચરતાં હોય છે આજે ધો. ૧૦-૧રની પરિક્ષાનો પ્રારંભ થયો છે પરંતુ બોર્ડની પરિક્ષાની પૂર્વ સંધ્યાએ જ જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાત રાજયમાં શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચાવી મુકે તેવું બોગસ રિસિપ્ટ કાંડ ગઈકાલે ચોક્કસ બાતમીનાં આધારે એસઓજી પોલીસે ઝડપી લેતાં સનસનાટી મચી જવા પામી છે. આ બનાવનાં અનુસંધાને કુલ ૪૭ વ્યકિતઓ સામે એસઓજીનાં હેડ કોન્સ્ટેબલ એમ.વી.કુવાડીયાએ ફરીયાદ નોંધાવી છે. ૪પર૦૦નાં મુદ્દામાલ સાથે મુખ્ય સુત્રધાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને આ ઉકળતાં ચરૂં જેવાં કૌભાંડની તપાસ કરવામાં આવી રહી છે. દરમ્યાન આ કૌભાંડ અંગે આજે બપોરે ૧ર.૩૦ વાગ્યે એક પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી રહી હતી અને જેમાં વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી.
જૂનાગઢ સહિત ગુજરાતભરમાં ખળભળાટ મચાવી મુકનારા બોગસ માર્કશીટ કૌભાંડ અંગેની પોલીસ દફતરે નોંધાયેલી વિગત અનુસાર જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનિંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસવડા સૌરભસિંઘ, ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એસઓજીનાં પોલીસ ઈન્સ્પેકટર જે.એમ.વાળા અને તેમની ટીમ દ્વારા ગઈકાલે ચોક્કસ બાતમીનાં આધારે થાણાથી ઉતરે ૩ કિલોમીટર દુર જૂનાગઢ શહેરમાં આવેલ ભવાનીનગર શાંતેશ્વર મંદિરની પાછળ દરોડાની કાર્યવાહી કરી હતી. રાજેશભાઈ ડાયાભાઈ ખાંટ (ઉ.વ.૪૦, રહે.દોલતપરા)નાં મકાનમાં રેઈડ કરવામાં આવી હતી અને તપાસની કામગીરી હાથ ધરી હતી. રાજેશભાઈ ડાયાભાઈ ખાંટ, રણજીતભાઈ ગઢવી (રહે.કેશોદ), પ્રવિણભાઈ સોલંકી (રહે.બામણાસા તા.કેશોદ) વાળાઓએ પૂર્વ આયોજીત કાવતરૂં રચી અને ૪ થી ૪૭ સુધીનાં આરોપીની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર, પરિક્ષા માર્ચ-ર૦ર૦નાં પ્રવેશપત્રો (રિસીપ્ટ) બનાવટી બનાવવાનાં ઉદ્દેશથી ષડયંત્ર રચ્યું હતું અને ૪ થી ૪૭ આરોપીઓની ડુપ્લીકેટ રિસીપ્ટ બનાવવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ રેઈડ દરમ્યાન રાજેશભાઈ ડાયાભાઈ ખાંટનાં મકાનેથી બોગસ રિસીપ્ટ બનાવવાનાં સાધનો રૂ.૪૧ર૦૦ તથા મોબાઈલ રૂ.૪ હજાર તથા અન્ય આરોપીઓની એટલે કે આરોપી નં.૪ થી ૪૭ની અસલ તેમજ ઝેરોક્ષ અને બનાવટી રિસીપ્ટ સાથે મળી કુલ રૂ.૪પર૦૦નો મુદ્દામાલ મળી આવેલ આ દરોડા દરમ્યાન એક આરોપી ઝડપાઈ ગયેલ જયારે અન્ય આરોપીઓ નહીં મળી આવતાં તેની સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે. ઈપીકો કલમ ૪૬પ, ૪૭૩, ૪૭૬, ૧ર૦ (બી), ૧૧૪ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ પી.જે.રામાણી ચલાવી રહ્યાં છે. ગઈકાલે મોડી રાત્રી સુધી તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો હતો. દરમ્યાન આ બનાવનાં અનુસંધાને ગુજરાત માધ્યમિક બોર્ડનાં સભ્ય એવા ડો.પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું કે ડમી વિદ્યાર્થી પરિક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરે ત્યારે તંત્રની જવાબદારી રહેતી હોય છે અને તંત્ર તેની કાર્યવાહી કરતું હોય છે જયારે બીજી તરફ જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી મકવાણાએ જણાવ્યું હતું કે ડમી રિસીપ્ટ બનાવવાવાળા જે કોઈ હોય તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત જૂનાગઢમાંથી બોગસ રિસિપ્ટકાંડ ઝડપી લેવા બદલ જૂનાગઢ પોલીસ તંત્રને જાણીતા કેળવણીકાર કનુભાઈ સોરઠીયાએ જૂનાગઢ પોલીસને અભિનંદન પાઠવ્યાં છે.

વિદ્યાર્થી પાસેથી રૂ.૩ હજાર, ૧૦ હજાર કે ૧પ હજાર લઈ અને સોદો થતો હતો

જૂનાગઢ સહિત ગુજરાત રાજયભરમાં ભારે ખળભળાટ મચાવનારા બોગસ રિસીપ્ટકાંડનો પર્દાફાશ ચોક્કસ બાતમીનાં આધારે એસઓજી પોલીસે ધડાકો કર્યો છે અને આ કૌભાંડનાં મુખ્ય સુત્રધારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગત અનુસાર આ આખા કૌભાંડનો મુખ્ય સુત્રધાર રાજેશ ડાયાભાઈ ગુજરાતી કે જે ભવાની નગર શાંતેશ્વર મંદિરની પાછળ રહે છે. તે બોગસ રિસિપ્ટ કાઢી આપવાની કામગીરી કરતો હતો અને કેશોદનો રણજીત ગઢવી તથા બામણાસાનાં પ્રવિણભાઈ સોલંકી તેની સાથે જાડાયેલાં હતા અને વિદ્યાર્થીઓનો કોન્ટેક કરી તેમની પાસે જરૂરી ડોકયુમેન્ટ, ફોટા વગેરે મેળવી અને આ રિસીપ્ટ ઉપર ડમી સિકકા, ડમી ફોટા લગાડી અને રૂ.૩ હજાર, રૂ. ૧૦ હજાર કે રૂ. ૧પ હજારમાં સોદો કરતાં હતાં આમ ડુપ્લીકેટ રિસીપ્ટ તૈયાર કરી આપતો હતો. ઘણાં ડાયરેકટ પણ કોન્ટેકટ કરતાં હતાં. દરમ્યાન આ કૌભાંડ સફળ થાય તે પહેલાં જ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી અને જેનાં આધારે દરોડો પાડતાં આખું કૌભાંડ બહાર આવ્યું હતું આમાં જે કોઈ સંડોવાયેલાં હશે તેની સામે પણ કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ પોલીસ સુત્રોએ આપેલ છે. વધુમાં મુખ્ય સુત્રધાર એવો રાજેશભાઈ ગુજરાતી જાષીપરામાં ટયુશન કલાસ ચલાવે છે જયારે પ્રવિણભાઈ સોલંકી અગાઉ પણ ર૦૦૯માં કૌભાંડ આચરવાનાં કેસમાં ઝડપાયો હતો જેની પણ વિગત પ્રકાશમાં આવી છે.

error: Content is protected !!